( પ્રતિનિધિ )વડોદરા,તા.2
વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે પર કરજણ ટોલનાકા પાસે એસટી બસના ડ્રાઈવરની જોખમી બેદરકારી સામે આવી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી જેમના શિરે છે, તેવા તંત્ર સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
કરજણ ટોલનાકા પાસે નેશનલ હાઈવે ઉપર મુસાફરોથી ભરેલી સરકારી એસટી બસ જોખમી રીતે રોંગ સાઈડમાં દોડતી જોવા મળી હતી. હાઈવે પર ભારે ટ્રાફિક વચ્ચે બસને ઉંધી દિશામાં આવતી જોઈ અન્ય વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. મુસાફરોની સુરક્ષા ક્યાં ? બસમાં સવાર અનેક મુસાફરોનો જીવ જોખમમાં મૂકનાર ડ્રાઈવર સામે પગલાં ક્યારે લેવાશે ? ટોલનાકા જેવા વ્યસ્ત વિસ્તારમાં પોલીસ કે ટ્રાફિક વિભાગની હાજરી હોવા છતાં આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ ? નિયમો કોના માટે ? સામાન્ય જનતાને મેમો આપતું તંત્ર સરકારી વાહનોની આવી ગંભીર ભૂલ પ્રત્યે આંખ આડા કાન કેમ કરી રહ્યું છે? તેવા સવાલો આ દ્રશ્યો પરથી ઉઠવા પામ્યા હતા.