Gujarat

આજે સાણંદ ખાતે પીએમ મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે

ગાંધીનગર,તા.26
આવતીકાલ તા.૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના સાણંદની મુલાકાતે આવી માઈક્રોન ટેકનોલોજી (Micron Technology) ના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદ ખાતે માઈક્રોન સેમીકંન્ડકટર ટેકનોલોજી ઈનડિયા પ્રા.લી દ્વારા રૂા.૨૨,૫૧૬ કરોડનું વિશાળ રોકાણ કરવામાં આવ્યું છે. આ અદ્યતન સુવિધા શરૂ થતાં ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે અને ભારતમાં ચીપ ઉત્પાદન ક્ષેત્રે નવી ઔદ્યોગિક ક્રાંતિનો પ્રારંભ થશે. વડાપ્રધાનની સાણંદ મુલાકાતને લઈને રાજ્યમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ પ્રોજેક્ટને દેશને ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહ્યો છે.સાણંદના આ પ્લાન્ટમાં હાલમાં ૨૦૦૦ કર્મચારીઓની ટીમ કાર્યરત છે અને આગામી સમયમાં અંદાજે ૫ હજાર લોકોને સીધી રોજગારી મળશે. ખાસ વાત એ છે કે અહીં દિવ્યાંગ નાગરિકો માટે પણ ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે કામ કરવાની તકો ઉપલબ્ધ કરવામાં આવી છે, જે સમાવેશી વિકાસનું ઉદાહરણ પુરું પાડે છે.

સાણંદના આ પ્લાન્ટમાં SSD (સોલિડ સ્ટેટ ડ્રાઈવ) તેમજ રેમ પ્રકારના DRAM અને NAND મેમરી ઉત્પાદનોનું નિર્માણ કરવામાં આવશે. આ ઉત્પાદનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની અદ્યતન ટેક્નોલોજી માટે અત્યંત આવશ્યક છે. માઇક્રોનના પ્રમુખ અને મુખ્ય કાર્યકારી અધિકારી સંજય મહેરોત્રાએ જણાવ્યું છે કે આજના AI યુગમાં મેમરી અને સ્ટોરેજ પ્રણાલીઓ સૌથી મહત્વપૂર્ણ ઘટક છે. મજબૂત મેમરી સપોર્ટ વિના AI સિસ્ટમ્સ યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી અને જેમ જેમ રિયલ-ટાઈમ અને ઝડપી પ્રતિભાવ આપતી ટેક્નોલોજી વિકસે છે, તેમ અદ્યતન મેમરીની માંગ વધતી જાય છે.

સાણંદમાં સેમિકન્ડક્ટર ક્રાંતિનો મજબૂત આધાર – માઈક્રોન ટેકનોલોજીનો વિશ્વસ્તરીય ક્લિનરૂમ ચર્ચામાં
સેમિકન્ડક્ટર ચીપના ઉત્પાદન માટે અત્યંત નિયંત્રિત અને સ્વચ્છ વાતાવરણ જરૂરી હોય છે, કારણ કે હવામાં રહેલો નાનો કણ પણ ચીપને નુકસાન પહોંચાડી શકે છે. આ જ કારણસર સાણંદમાં માઇક્રોન ટેકનોલોજી દ્વારા બનાવાયેલ વિશાળ ક્લિનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમોમાં સ્થાન પામી ચૂક્યો છે. માઇક્રોન ટેકનોલોજીના પ્રમુખ અને સીઇઓ સંજય મેહરોત્રાના જણાવ્યા અનુસાર સાણંદ પ્લાન્ટના પ્રથમ તબક્કામાં 5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ક્લિનરૂમનું નિર્માણ થયું છે.

તેમાં એફિલ ટાવર કરતાં સાડા ત્રણ ગણું સ્ટીલ અને 100 ઓલિમ્પિક આકારના સ્વિમિંગ પૂલ જેટલું કોંક્રિટ વપરાયું છે. આ માળખું માઇક્રોનના વૈશ્વિક ગોલ્ડ સ્ટાન્ડર્ડ મુજબ ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. ક્લિનરૂમની અંદર હવા ઘણીવાર ઓપરેશન થિયેટર કરતાં પણ વધુ સ્વચ્છ રાખવામાં આવે છે. એક વાળ જેટલો કણ પણ ચીપને નુકસાન પહોંચાડી શકે છે.

હવાને વિશેષ ફિલ્ટરિંગ સિસ્ટમ દ્વારા ઉપરથી નીચે એકસરખા પ્રવાહમાં મોકલવામાં આવે છે, જેથી અસ્તવ્યસ્તતા ન સર્જાય. ફ્લોર જમીનથી થોડો ઊંચો રાખવામાં આવ્યો છે, જેના નીચે હવા, કુલિંગ, પાવર અને ડેટા લાઇનો પસાર થાય છે.અત્યંત સંવેદનશીલ મશીનોને કારણે તાપમાનમાં 1 ડિગ્રીનો ફેરફાર પણ ઉત્પાદન પ્રક્રિયા ખોરવી શકે છે. તેથી તાપમાન અને ભેજનું નિયંત્રણ સૂક્ષ્મ સ્તરે સતત જાળવવામાં આવે છે. કોઈ પણ વિક્ષેપથી કામગીરી અટક ન જાય તે માટે પાવર, કુલિંગ અને હવા માટે મજબૂત બેકઅપ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે.

Most Popular

To Top