ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ઝારખંડ રાજ્ય હાઉસિંગ બોર્ડ દ્વારા સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે. રાંચીના હાર્મુ વિસ્તારમાં તેમને ફાળવવામાં આવેલ રહેણાંક પ્લોટના કથિત વાણિજ્યિક ઉપયોગ અંગે 15 દિવસની અંદર જવાબ આપવા જણાવ્યું છે. હાઉસિંગ બોર્ડના જણાવ્યા મુજબ ધોનીને ફાળવાયેલ પ્લોટ માત્ર રહેણાંક હેતુ માટે મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ આ સ્થળ પર પેથોલોજી લેબ ચલાવવામાં આવી રહી હોવાનું ધ્યાનમાં આવતા બોર્ડે નિયમોના ઉલ્લંઘનની નોંધ લીધી છે. આ મુદ્દે બોર્ડે સ્પષ્ટતા માંગતા નોટિસ જારી કરી છે. બોર્ડના અધ્યક્ષ સંજય પાસવાને માહિતી આપતાં જણાવ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીને અત્યાર સુધીમાં 300થી વધુ નોટિસ પાઠવવામાં આવી છે., જેમણે રહેણાંક પ્લોટનો કથિત રીતે ગેરઉપયોગ કર્યો છે. ધોનીનો કેસ પણ તે જ અભિયાનનો ભાગ હોવાનું તેમણે જણાવ્યું હતું.
નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે જો નિર્ધારિત 15 દિવસની અંદર યોગ્ય જવાબ પ્રાપ્ત નહીં થાય, તો પ્લોટ ફાળવણી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવાની ભલામણ થઈ શકે છે. બોર્ડનો દાવો છે કે સરકારી જમીન ફાળવણીના નિયમોનું પાલન દરેક લાભાર્થી માટે ફરજિયાત છે. આ ઘટનાને રાજકીય પરિપ્રેક્ષ્યમાં પણ જોવામાં આવી રહી છે. કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ કાર્યવાહી એવા સમયમાં થઈ છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેનએ તાજેતરમાં જ ધોનીની પ્રશંસા કરી હતી. હાલ ધોની તરફથી આ નોટિસ અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. આગામી દિવસોમાં તેઓ શું સ્પષ્ટતા આપે છે અને હાઉસિંગ બોર્ડ શું નિર્ણય લે છે, તે આગળ જતા ખબર પડશે.