સૂર્યાસ્ત બાદ પશ્ચિમ ક્ષિતિજે બુધ, ગુરુ અને શુક્ર સહિત 6 ગ્રહો એક જ લાઈનમાં દેખાશે; વડોદરાના ખગોળપ્રેમીઓ માટે ‘ગોલ્ડન ચાન્સ’
વડોદરા: આજે શનિવાર 28મી ફેબ્રુઆર,ના રોજ આકાશમાં એક દુર્લભ અને અદભૂત ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે. સૂર્યાસ્ત પછી તરત જ સૌરમંડળના છ ગ્રહો એક જ સીધી રેખામાં ગોઠવાયેલા જોવા મળશે, જેને વૈજ્ઞાનિક ભાષામાં ‘પ્લેનેટરી પરેડ’ અથવા ‘પ્લેનેટરી એલાઈનમેન્ટ’ કહેવામાં આવે છે. વડોદરાના આકાશમાં પણ આ નજારો સ્પષ્ટપણે જોઈ શકાશે, જેને લઈને શહેરના ખગોળ ઉત્સાહીઓમાં ભારે આતુરતા જોવા મળી રહી છે.
માહિતી અનુસાર, શનિવારે સૂર્યાસ્ત પછીના આશરે એક કલાકના સમયગાળામાં પશ્ચિમથી દક્ષિણ-પશ્ચિમ ક્ષિતિજ તરફ બુધ, શુક્ર, મંગળ ગુરુ, શનિ, અને યુરેનસ એક જ પટ્ટામાં જોવા મળશે. આ પૈકી બુધ, શુક્ર, શનિ અને ગુરુ જેવા ગ્રહોને નરી આંખે જોઈ શકાશે, જ્યારે નેપ્ચ્યુન અને યુરેનસ જેવા દૂરના ગ્રહોને જોવા માટે ટેલિસ્કોપની મદદ લેવી પડશે.
ભારતીય જન વિજ્ઞાન જાથા દ્વારા આ ખગોળીય ઘટના અંગે જનજાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. જાથાના જણાવ્યા મુજબ, તમામ ગ્રહો સૂર્યની આસપાસ પોતપોતાની ભ્રમણકક્ષામાં અલગ-અલગ ઝડપે ફરે છે, પરંતુ અમુક સમયે પૃથ્વી પરથી જોતા તેઓ એક જ લાઈનમાં દેખાય છે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ શુદ્ધ વૈજ્ઞાનિક ઘટના છે.
વડોદરાના નાગરિકોને આ નજારો જોવા માટે એવી જગ્યા પસંદ કરવા સલાહ આપવામાં આવી છે જ્યાં શહેરની ઝાકઝમાળ અને હેલોજન લાઈટોનું પ્રમાણ ઓછું હોય. ખુલ્લા મેદાન અથવા ધાબા પરથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ક્ષિતિજ તરફ જોતા આ ‘ગ્રહોની પરેડ’ નિહાળી શકાશે.
– ખગોળ વિજ્ઞાનનો અદભૂત લ્હાવો: વડોદરાવાસીઓ ચુકશો નહીં!…
આજે 28મી ફેબ્રુઆરીની સાંજ અવકાશ પ્રેમીઓ માટે ખાસ બની રહેશે. વડોદરાના સ્વચ્છ આકાશમાં સૂર્યાસ્ત પછી એક કલાક સુધી બ્રહ્માંડના છ ગ્રહો જાણે પરેડ કરી રહ્યા હોય તેમ એક હરોળમાં દેખાશે. આ નજારો કોઈ પણ પ્રકારના ચશ્મા વગર નરી આંખે જોઈ શકાશે. જો તમારી પાસે ટેલિસ્કોપ હોય, તો આ અનુભવ વધુ રોમાંચક બની રહેશે. વિજ્ઞાન પ્રત્યે રુચિ ધરાવતા વાલીઓએ પોતાના બાળકોને આ દુર્લભ દ્રશ્ય ચોક્કસ બતાવવું જોઈએ.