₹500ની પાવતી ફાડ્યા બાદ પણ સામાન જપ્ત કરાતા ઘર્ષણ; વેપારીઓનો ગંભીર આક્ષેપ ‘મોટા શોરૂમવાળા સામે પાલિકાના હાથ ટૂંકા પડે છે?’



વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ખાટુ શ્યામ બાબાના મંદિર બહાર ફૂલો વેચીને ગુજરાન ચલાવતા નાના વેપારીઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે શુક્રવારે ભારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. દબાણ શાખાના કર્મચારીઓએ વેપારીઓ સાથે અભદ્ર વર્તન કરી માનસિક હેરાનગતિ કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ખોડિયાર નગર વિસ્તારમાં ખાટુ શ્યામ મંદિર પાસે ગરીબ વેપારીઓ ફૂલો અને પૂજાની સામગ્રી વેચીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. વેપારીઓનો આક્ષેપ છે કે તેઓ અઠવાડિયામાં માત્ર બે જ દિવસ અહીં ધંધો કરે છે અને તેના માટે કોર્પોરેશન દ્વારા તેમની પાસેથી રૂ. 500ની પાવતી પણ લેવામાં આવે છે. આમ છતાં, શુક્રવારે અચાનક ત્રાટકેલી દબાણ શાખાની ટીમે વેપારીઓના થેલા અને લારીઓ જપ્ત કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે વેપારીઓએ પોતાની લારીઓ બચાવવા પ્રયત્ન કર્યો, ત્યારે કર્મચારીઓએ તેમની સાથે સખ્તી કરી માર માર્યો હોવાના પણ આક્ષેપો થયા છે.
આ સમગ્ર ઘટના દરમિયાન અનેક ગરીબ વેપારીઓની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. વેપારીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, “એક તરફ સરકાર અમને આત્મનિર્ભર બનાવવા માટે લોન આપી રહી છે, ત્યારે બીજી તરફ પાલિકાનું તંત્ર અમને શાંતિથી ધંધો કરવા દેતું નથી. રોજના માંડ રૂ. 200 થી 300 કમાતા માણસો પર જ કેમ હંમેશા તવાઈ બોલાવવામાં આવે છે?”
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા મોટા માથાઓ સામે કાર્યવાહી કરવામાં પાછીપાની કરે છે અને ગરીબ લારી-ગલ્લા વાળાઓને નિશાન બનાવી પોતાની કામગીરીનો સંતોષ માને છે. ખોડિયાર નગરની આ ઘટનાએ પાલિકાની માનસિકતા અને વહીવટી પારદર્શિતા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
– ભક્તો અને રહીશોનો તંત્ર સામે ફિટકાર
દબાણ શાખાની આ કામગીરી જોઈ મંદિરે દર્શનાર્થે આવેલા ભક્તો અને આસપાસના રહીશો પણ વેપારીઓના સમર્થનમાં આવ્યા હતા. લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે:
*શહેરમાં અનેક જગ્યાએ મોટી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને શોરૂમ ધારકોએ રસ્તા પર દબાણ કર્યું છે, ત્યાં પાલિકા કેમ નરમ પડે છે?
*શું કાયદો માત્ર ફૂટપાથ પર બેસતા ગરીબો માટે જ છે?
*દેવસ્થાન પાસે પૂજાનો સામાન વેચતા લોકો સાથે આવું અભદ્ર વર્તન કેટલું યોગ્ય?