ગાંધીનગર,તા.26
ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં આજે ભારે રાજકીય ગરમાગરમી જોવા મળી હતી. કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના સભ્યોએ વિધાનસભાના પગથિયા પર અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલ મુદ્દે સૂત્રોચ્ચાર કરી ‘ટ્રેડ ડીલ રદ કરો’ની માંગ ઉઠાવી હતી.કોંગ્રેસના ધારાસભ્યોએ દાવો કર્યો કે આ ટ્રેડ ડીલ રાજ્યના ઉદ્યોગકારો, ખેડૂતો અને નાના વેપારીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમણે સરકાર પાસે ડીલની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ કરી અને પારદર્શિતા રાખવા દબાણ બનાવ્યું હતું.
બીજી તરફ આજે પ્રશ્નોત્તરી દરમ્યાન પણ વિધાનસભા ગૃહમાં SC, ST અને OBC નિગમોને રકમ ફાળવણી મુદ્દે તથા સરકાર દ્વારા સમગ્ર રકમમાંતી વર્ષના અંતે ઓછો ખર્ચ થતો હોવાનો પણ કોંગીના ઉપનેતા શૈલેષ પરમારે ગૃહમાં પ્રશ્ન ઉપસ્થિત કરીને અસંતોષ વ્યકત્ત કર્યો હતો.આ ચર્ચા દરમિયાન પણ ભારે હોબાળો મચ્યો હતો. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલએ ગૃહમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા નિયમિત અને પૂરતી રકમ ફાળવવામાં આવી રહી છે.
વર્ષના અંતે સરાકર દ્વારા લાભાર્થીઓને લાભ આપી દેવાય છે, એટલે ઓછી રકમ ખર્ચ કરવાનો આક્ષેપ ખોટો છે. જોકે કોંગ્રેસના સભ્યો આ જવાબથી અસંતોષ વ્યક્ત કરતા પોતાની જગ્યાએ ઊભા રહી વિરોધ નોંધાવ્યો હતો.થોડાક સમય માટે ગૃહમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગીના સભ્યોને શાંતિ જાળવવા અને બેસી જવા સૂચના આપી હતી, છતાં હોબાળો યથાવત રહ્યો હતો. અંતે કોંગ્રેસના તમામ સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.
વોકઆઉટ બાદ કોંગ્રેસના નેતાઓએ સરકાર પર પછાત વર્ગો સાથે અન્યાય કરવાનો આરોપ મૂક્યો અને નિગમોને પૂરતી તથા સમયસર રકમ ન મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો.સીનીયર મંત્રી જીતુ વાઘાણીએ કોંગી સભ્યોએ કરેલા વોક આઉટ સામે વાંધો ઉઠાવીને સરકારના સીનીયર મંત્રી મનીષા વકીલને જવાબ આપતા અટકાવવામાં આવ્યા હોવાનો મુદ્દો અધ્યક્ષ સમક્ષ રજુ કર્યો હતો.જેના પગલે અધ્યક્ષ શંકર ચૌધરીએ આવુ વર્તન નહીં કરવા કોંગીના સભ્યોને તાકિદ કરીને આકરરો ઠપકો આપ્યો હતો.