શિક્ષકોની ‘ઘરે જવાની ઉતાવળ’થી વિદ્યાર્થીઓને વહેલા રજા, નોટિસ બાદ પણ પ્રશ્ન યથાવત
હાલોલ |
હાલોલ તાલુકાની દુણીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા શાળાનો નિર્ધારિત સમય પૂર્ણ થાય તે પહેલાં જ શાળા છોડવાની ગંભીર ફરિયાદો સામે આવી છે. સવાર અને બપોર એમ બે પાળીમાં ચાલતી આ શાળામાં બપોરની પાળીનો સમય સાંજે 5:30 વાગે પૂરો થતો હોવા છતાં, શિક્ષકો અડધો કે એક કલાક વહેલો શાળા છોડી જતા હોવાનો આક્ષેપ થયો છે.

વિદ્યાર્થીઓના નિવેદનથી ખુલાસો
શાળામાંથી છૂટેલા વિદ્યાર્થીઓને પૂછતાં જાણવા મળ્યું કે આ એકાદ-બે દિવસની ઘટના નહીં પરંતુ રોજિંદી સ્થિતિ છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ શિક્ષકોને સાંજે ઘરે જવાની ઉતાવળ હોવાથી તેઓ નિયમિત રીતે શાળા સમય પહેલાં જ છોડી દે છે.
શિક્ષણ વિભાગની નોટિસ
આ મામલો શિક્ષણ વિભાગના અધિકારીઓના ધ્યાનમાં આવતા દુણીયા પ્રાથમિક શાળાને સમયસર શાળા ચલાવવા અને વહેલી રજા ન આપવા નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ બાદ તંત્ર દ્વારા પોતાની જવાબદારી પૂરી કર્યાનો દાવો કરવામાં આવ્યો છે.
ગ્રામ્ય શાળાઓમાં વ્યાપક સમસ્યા
હાલોલ તાલુકામાં અનેક ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ આવેલી છે, જ્યાં ફરજ બજાવતા મોટા ભાગના શિક્ષકો શહેરમાં રહેતા હોવાના કારણે આવન-જાવનમાં તકલીફ અનુભવે છે. પરિણામે, ઘરે જવાની ઉતાવળમાં વિદ્યાર્થીઓને વહેલા છોડી દેવાય છે તેવી ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે.
ગુણવત્તાયુક્ત શિક્ષણ પર સવાલ
આવા બનાવોથી ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે. નિયમિત દેખરેખ અને કડક કાર્યવાહી ન થાય તો આવી ઘટનાઓ પુનરાવર્તિત થવાની શક્યતા હોવાનું શિક્ષણપ્રેમીઓ માની રહ્યા છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ