Kalol

છેડતી અને પોક્સોની ખોટી ફરિયાદ : હાલોલ સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો, ફરીયાદી સામે કાર્યવાહીનો આદેશ

કાર્યવાહી દરમિયાન ફરિયાદીની ઊલટ તપાસમાં અનેક વિસંગતતાઓ બહાર આવી


કાલોલ | તા. 25/02/2026
ઘોઘંબા તાલુકાના એક ગામમાં નોંધાયેલી છેડતી તથા પોક્સો એક્ટની ફરિયાદમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતાં હાલોલની એડિશનલ સેશન્સ કોર્ટ અને સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી સંજયસિંહ ઉર્ફે સંજયકુમાર ઉર્ફે લાલાભાઈ મહેન્દ્રસિંહ સોલંકીને તમામ આરોપોમાં નિર્દોષ જાહેર કર્યો છે. સાથે જ ખોટી ફરિયાદ નોંધાવવાના મુદ્દે ફરીયાદી સામે IPC કલમ 211 મુજબ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
ફરીયાદી યુવતીએ તા. 03/04/2023ના રોજ રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તા. 30/03/2023ના રોજ સાંજે લગભગ 7 વાગ્યે ખેતરમાંથી પરત ફરતી વખતે આરોપીએ તેની એકલતાનો લાભ લઈ હાથ પકડી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ પોતાની ઉંમર બનાવ સમયે 17 વર્ષ 2 માસ હોવાનું જણાવ્યું હતું, જેના આધારે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
પરંતુ કેસની કાર્યવાહી દરમિયાન ફરિયાદીની ઊલટ તપાસમાં અનેક વિસંગતતાઓ બહાર આવી. પીડિતાએ સ્વીકાર્યું કે સારવાર દરમિયાન ડોક્ટર સમક્ષ છેડતી કે મારામારી અંગે કોઈ વિગતો આપી નહોતી. ઉપરાંત, ફરિયાદમાં દર્શાવેલી કેટલીક ગંભીર વિગતો જેમ કે ખેતરમાં ઘસડી જવાની વાત ફરિયાદમાં નોંધાયેલી નહોતી.
ઉમર પુરાવા બાબતે પણ ફરિયાદ પક્ષ નિષ્ફળ રહ્યું. પીડિતાની જન્મ નોંધણી ઉપલબ્ધ ન હોવાનું તલાટી કમ મંત્રીએ સ્વીકાર્યું હતું અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માત્ર ફોર્મના આધારે બનાવાયું હોવાનું શાળાના આચાર્યએ કબૂલ કર્યું. પરિણામે પીડિતાની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું પુરવાર થઈ શક્યું નહોતું.
આ ઉપરાંત, બંને પંચો ફરિયાદની હકીકતને સમર્થન આપતા ન હતા. ફરિયાદીની માતાએ પણ બનાવના દિવસે આરોપી સામે પોતે અલગ ફરિયાદ નોંધાવી હોવાનું કબૂલ્યું હતું. તપાસ દરમિયાન દુધ ઉત્પાદક મંડળી સંબંધિત જૂના વિવાદો, વ્યાવસાયિક અદાવત અને અગાઉથી ચાલતી ફરિયાદોની વિગતો પણ બહાર આવી હતી.
આરોપી તરફે એડવોકેટ કે.ડી. મલેકે દલીલ કરી હતી કે ફરિયાદ ચાર દિવસ બાદ કોઈ સ્પષ્ટ કારણ વગર નોંધાવવામાં આવી હતી અને સમગ્ર કેસ ખોટી નીતિથી ઘડાયેલો છે.
બન્ને પક્ષોની દલીલો અને પુરાવાનો સુક્ષ્મ અભ્યાસ કર્યા બાદ એડિશનલ સેશન્સ જજ તથા સ્પેશિયલ પોક્સો જજ શ વી.એન. મપારાએ આરોપીને છેડતી તથા પોક્સો એક્ટના ગુનામાં નિર્દોષ જાહેર કરી છોડવાનો હુકમ કર્યો છે. સાથે જ ખોટી ફરિયાદ કરવા બદલ ફરીયાદી સામે IPC કલમ 211 હેઠળ કાર્યવાહી કરવા સ્પષ્ટ આદેશ કર્યો છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top