વડોદરા મહાનગરપાલિકાનો મોટો નિર્ણય: રહેણાક મિલકતનો ઉપયોગ પેઈંગ ગેસ્ટ તરીકે કરનારાઓ પાસે હોસ્ટેલના ધોરણે વેરો વસૂલવામાં આવશે
વડોદરા: શહેરમાં રહેણાક વિસ્તારોમાં ચાલતા પેઈંગ ગેસ્ટ અને હોસ્ટેલ વ્યવસાયો પર વડોદરા મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. પાલિકા દ્વારા લેવાયેલા તાજેતરના નિર્ણય મુજબ, જો કોઈ મિલકત માલિક પોતાના રહેણાક મકાનનો ઉપયોગ પીજી તરીકે કરશે, તો તેની આકારણી રહેણાકને બદલે ‘કોમર્શિયલ’ ધોરણે કરવામાં આવશે.
પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર, જો કોઈ રહેણાક મિલકત એક સિંગલ ફેમિલીને ભાડે આપવામાં આવી હોય, તો તેની આકારણી રહેણાક તરીકે જ ચાલુ રહેશે. આવા કિસ્સાઓમાં વધારાનો વ્યાવસાયિક વેરો વસૂલવામાં આવતો નથી. પરંતુ, જો તે મિલકતનો ઉપયોગ પેઈંગ ગેસ્ટ કે હોસ્ટેલ તરીકે થતો હશે, તો તેને વ્યાવસાયિક પ્રવૃત્તિ ગણીને હોસ્ટેલના દર મુજબ કોમર્શિયલ ટેક્સ લાગુ કરવામાં આવશે.
આ નીતિના અમલીકરણ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં દરેક વોર્ડ કક્ષાએ ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવશે. જે મિલકતોમાં આવી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ચાલતી હશે તેવી મિલકતોને આઈડેન્ટીફાય કરવામાં આવશે અને ત્યારબાદ તેમને કોમર્શિયલ ધોરણે વેરા બિલ બજવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોસ્ટેલ તરીકે આકારણી કરવાની નીતિ પહેલેથી જ અમલમાં છે, પરંતુ હવે તેને વધુ અસરકારક અને વ્યાપક બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. રહેણાક મકાનોમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચલાવીને ટેક્સની ચોરી અટકાવવા અને પાલિકાની આવકમાં વધારો કરવાના હેતુથી આ ઝુંબેશ તેજ કરવામાં આવશે.
આ નિર્ણયથી શહેરમાં પીજી ચલાવતા મકાન માલિકોના વેરા બિલમાં મોટો વધારો થવાની શક્યતા છે, જેની સીધી અસર પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતોના ભાડા પર પણ પડી શકે છે.