અમદાવાદ: ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર અને ખેડા જિલ્લાના ઓબીસી-ક્ષત્રિય સમાજના આગેવાન ભારતસિંહ પરમાર તેમના સમર્થકો સાથે આજે અમદાવાદમાં કોગ્રેસ ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.
આ પ્રસંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયથી ભાજપમાંથી અનેક આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. વર્ષો સુધી જાહેર જીવનમાં રહી લોકો માટે કાર્ય કરનારા નેતાઓ ફરી કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકીને જોડાઈ રહ્યા છે. ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો અને પશુપાલકોના પ્રશ્નો ઉઠાવવાની ભાવના ધરાવતા લોકોને ભાજપમાં મર્યાદાઓનો સામનો કરવો પડે છે, જ્યારે કોંગ્રેસના દરવાજા સૌ માટે ખુલ્લા છે.

ભાજપને રામ રામ કરી કોગ્રેસમાં જોડાયેલા ભારતસિંહ પરમારે જણાવ્યું હતુ કે લોકશાહી મૂલ્યો અને સંવિધાનના રક્ષણ માટે તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના શાસનમાં લોકશાહીનો અવાજ દબાઈ રહ્યો હોવાનું તેમણે આક્ષેપ કર્યો હતો.
તેમણે તાજેતરની ‘અમૂલ’ ચૂંટણીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સહકારી ક્ષેત્રમાં સત્તાનો દુરુપયોગ કરીને અનેક કાર્યકરોને ચૂંટણી લડવાથી અને મતદાનથી વંચિત રાખવામાં આવ્યા તથા એક એક મત માટે દસ લાખ સુધીનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો, આ અનુભવથી અમોને લાગ્યું કે લોકશાહી નબળી બની રહી છે.