Vadodara

માલસર તીર્થ બચ્યું, રેતી-માફિયાના મનસૂબાઓ પર તંત્રની બ્રેક

કલેક્ટરના જાહેરનામાથી રેતી ખનન પર રોક, ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર
(પ્રતિનિધિ) વડોદરા:;
માલસર જેવા પવિત્ર અને ઐતિહાસિક તીર્થસ્થાનને બરબાદ કરવાની મેલી મુરાદ ધરાવતા ભૂ-માફિયાઓના પ્રયાસો પર અંતે તંત્રે કડક કાર્યવાહી કરી છે. ટરબાવો દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી માલસર તીર્થ અને આસપાસના ખેતી પાકોને નુકસાન પહોંચાડવાના પ્રયાસો સામે કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી સ્પષ્ટ પ્રતિબંધ મૂકતા ગામના લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી છે.

આ જાહેરનામાના કારણે તુવેર અને કેળાના પાકને થતું ભારે નુકસાન અટકશે તેવી આશા સાથે માલસર ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા નર્મદા નદીમાં 108 લીટર દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો. સાથે જ 1008 દિવડાઓ પ્રગટાવી નર્મદા મૈયાની ભવ્ય મહા આરતી માલસર ઘાટ ઉપર કરવામાં આવી હતી. છેલ્લા ચાર દિવસથી ગામના અનેક નાગરિકો નર્મદા મૈયા સમક્ષ માનતાઓ પૂરી કરી રહ્યા છે.

કલેક્ટરના આ નિર્ણયથી ગામમાં આનંદ અને સંતોષનો માહોલ છવાઈ ગયો છે. ગ્રામજનો અને ખેડૂતો દ્વારા માલસર તીર્થને બચાવવા બદલ તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. પૂજા અને માનતામાં અતુલભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ, કેળાના વેપારીઓ, ગામના ખેડૂતો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ આ પવિત્ર કાર્યમાં જોડાયા હતા.
ભૂ-માફિયાઓના પીઠબળની તપાસની માંગ
રેતીની લીઝનો રસ્તો બંધ થતા હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ ભૂ-માફિયાની ટોળકીને રાજકીય કે સરકારી સ્તરે કોનું પીઠબળ હતું? ગામના નિર્દોષ લોકોને વર્ષો સુધી રંજાડનાર તત્વો સામે કડક તપાસ થાય તેવી માંગ ઉઠી છે. માલસર તીર્થ વિસ્તારમાં આવેલા અનેક આશ્રમોમાં સાધુ-સંતો, મહાત્માઓ તપ, જપ અને ભજન કરી રહ્યા છે — આવા પવિત્ર વાતાવરણને ખોરવતા તત્વોને કોઈ રીતે છૂટ ન મળે તેવી પણ માંગ કરવામાં આવી છે.
ભવિષ્યનું હરિદ્વાર બનતું માલસર
માલસર ગામમાં દેશ-વિદેશમાંથી લોકો ભાગવત સપ્તાહ, રામકથા, યોગ-ધ્યાન શિબિરો માટે આવે છે. ઘણા લોકો માલસરને ભવિષ્યનું ગુજરાતનું હરિદ્વાર ગણાવી રહ્યા છે. આવું પવિત્ર તીર્થ ભૂ-માફિયાઓના લોભના કારણે નષ્ટ ન થાય તે માટે તંત્ર, જાગૃત નાગરિકો સૌની સામૂહિક જવાબદારી બને છે.
આપણા પ્રાચીન વારસા, સંસ્કૃતિ અને તીર્થસ્થાનોને બચાવવું માત્ર એક ગામની નહીં, પરંતુ સમગ્ર સમાજની ફરજ છે.

Most Popular

To Top