Comments

ભારતીય શિક્ષણમાં ગાંધીજીના વિચારોનો આપણે કાંટો જ કાઢી નાખ્યો

૧૮૬૯ માં પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીના જન્મને આ વર્ષે એકશો પચાસ વર્ષ પુરા થશે. સરકારે આખું વર્ષ એક યા બીજા કાર્યક્રમ કરીને ઉજવણી કરવાનું નક્કી કર્યું છે પણ જાણકારો મને છે કે ગાંધીજીના વિચારોને જીવનમાં ઉતારવા એજ આ વર્ષની સાચી ઉજવવાની રીત છે. આપણે આ કોલમમાં હમણાં શિક્ષણની વાસ્તવિક સ્થિતિ શું છે તે તપાસી રહ્યા છીએ ત્યારે આ ગાંધી જયંતિ સપ્તાહમાં એ તપાસીએ કે ભારતના શિક્ષણમાં ગાંધી મૂલ્યો કયા છે?

ગાંધીજી આ યુગનું આશ્ચર્ય છે. કોઈ નવલોહિયો કોમ્પુટરના સહારે ગાંધીજી એ લખેલા પત્રો, એમને કરેલા આંદોલનો, એમને આપેલા પ્રવચનો એમનો જેલવાસ બધું ભેગું કરે તો એ ને બે ઘડી વિચાર આવે કે આટલું બધું કામ એક માણસ આટલા સમયમાં કરી કેવી રીતે શક્યો? અંગ્રેજ વાઈસ રોઈથી માંડીને ખેડૂત સુધી સૌને ગાંધીજી પત્ર લખતા, કદાચ આટલા પત્રો લખનારા ગાંધીજી દુનિયાના એકલા માનવી હશે. કોઈ એવું ક્ષેત્ર નથી જેના માટે ગાંધીજી એ લખ્યું ના હોય અને આજે ગાંધીજીના જન્મના ૧૫૦ વર્ષ ઉજવતા ભારતે થોડું આત્મદર્શન કરવાની જરૂર છે કે દેશ અને સમાજનું એવું કયું ક્ષેત્ર છે જ્યાં આપણે આજે ગાંધી વિચારનો અમલ કર્યો હોય.

ગાંધીજી એક જગ્યાએ બોલ્યા હતા કે ભારત આઝાદી મેળવીને કેવો દેશ બનશે તો કહે એવો દેશ બનશે કે તેને જોઈને દુનિયા કહે કે આઝાદ થવું તો આ રીતે થવું? શું અત્યારે દુનિયા કહેશે કે આઝાદ થવું તો આ રીતે થવું? દુનિયા આખીમાં જે ગાંધીની વાતો છે એ જ ગાંધીના એક પણ વિચાર આપણે જીવનના એક પણ ક્ષેત્રમાં સ્વીકાર્યા નથી. ઇવન શિક્ષણમાં પણ નહિ. સ્વતંત્ર ભારતના ૬૫ વર્ષના ઇતિહાસમાં આપણે એક પણ વખત મેકોલે આપેલી શિક્ષણ પદ્ધતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન નથી કર્યો. અરે શિક્ષણ નીતિ પણ બદલી નથી. આ સરકાર આવી ત્યારથી શિક્ષણ નીતિ લાવવાનો પ્રયત્ન કરે છે, હજુ જાહેર કરી શકી નથી. ભારતીય શિક્ષણનું સૌથી મોટી નબળાઈ એ છે કે તેમાં ભારતીયપણું નથી. ગાંધીજી દેશના ખૂણે ખૂણા ફર્યા અને સમાજજીવનની વિવિધતાને સમજ્યા પછી તેમણે ભારતીય અર્થતંત્ર વિષે વિચારો રજૂ કર્યા.

એવી જ રીતે ભારતીય શિક્ષણ કેવું હોય તેના વિચારો રજૂ કર્યા પણ, સ્વતંત્રતા માતાએ ગાંધીજીનો ઉપયોગ કર્યા પછી આપણે ગાંધીજીના વિચારોનો આઝાદ ભારતમાં ઉપયોગ જ ના કર્યો, ઉલ્ટાનુ ગાંધીજીને જે પ્રિય ના હતું એ દંભ આચાર્યો અને ગાંધીજી ઈચ્છતા હતા એ બુનિયાદી શિક્ષણનો આપણે છેદ જ ઉડાવી દીધો. માત્ર બે ચાર ગાંધીવાદી સંસ્થાનોમાં આ પદ્ધતિ મુજબ શિક્ષણ આપ્યું પણ જન સામાન્ય તો પેલી મેકોલે સિસ્ટમ મુજબ બાળકો ભણાવતા હતા એમાં ખાનગીકરણ આવ્યું. ગાંધી વિચારમાં રસ ના હતો. એ સૌને ગાંધી છાપની નોટોમાં રસ પડ્યો અને શિક્ષણનો વેપાર ચાલુ થયો.

સાચો ગાંધી વિચારને વરેલો માણસ ક્યારેય શિક્ષણના વેપારીકરણનો સ્વીકાર ના કરે. ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતથી પ્રેરાઈને જેમને પોતાની મિલકતો સમાજ માટે વાપરવા કાઢી, ટ્રસ્ટ બનાવ્યા અને શિક્ષણ સંસ્થાઓ ખોલી તેમના જ વંશજ આજે એજ ટ્રસ્ટનો દૂરઉપયોગ કરીને સમાજને લૂંટી રહ્યા છે. આપણી શિક્ષણ સંસ્થોના સંચાલનથી માંડીને શિક્ષનામાં ભણવામાં આવતા પાઠ્યક્રમ સુધી ક્યાય ગાંધીજી રહ્યા નથી. પ્રાથમિક શાળાઓમાં રોજ સવારે “સત્ય, અહિંસા, ચોરી ના કરવી, વણજોઈતું નવ સંઘરવું. બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું. અભય. સ્વદેશી, સ્વાદ ત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવા. અગિયાર મહાવ્રત સમજી નમ્ર પાને દૃઢ આચરવા. આ પ્રાર્થના ગવાતી હતી, તે પણ હવે બંધ થઇ ગઈ. જો પ્રાર્થના ગવાતી જ બંધ થઇ જાય તો અગિયારા વ્રત પાળવાની વાત જ ક્યાં રહે છે?.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top