અમેરિકાના સૌથી તરંગી અને તોફાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તુક્કાઓને કારણે વૈશ્વિક વેપારમાં અભૂતપૂર્વ દ્વિધા અને અનિશ્ચિત્તતાની પરિસ્થિતિ પેદા થઈ છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા પછી, અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર કરારનું શું થશે તે અંગે પ્રશ્ન ઉઠવા લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અત્યાર સુધીમાં ટેરિફને લઈને ચાર વાર ઉથલપાથલ પેદા થઈ છે. પ્રારંભમાં ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદવાની સજાના રૂપમાં ૨૫ ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો, જે પાછળથી વધારીને ૫૦ ટકા કરવામાં આવ્યો હતો.
આ મહિનાની શરૂઆતમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભારત સાથે વચગાળાના વેપાર કરારની જાહેરાત કરી હતી, જેમાં ભારત પર ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો અને દાવો કર્યો હતો કે ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા સંમત થયું છે. આ ૫૦ ટકા ટેરિફમાં ૨૫ ટકા પારસ્પરિક ટેરિફનો સમાવેશ થતો હતો, જ્યારે ૨૫ ટકા ટેરિફ રશિયન તેલ ખરીદવા માટે દંડાત્મક પગલા તરીકે લાદવામાં આવ્યો હતો. શુક્રવારે જ્યારે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ૬-૩ મતથી ટ્રમ્પના વૈશ્વિક ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તરત જ બીજો કાયદો (૧૯૭૪ના વેપાર કાયદાની કલમ ૧૨૨) લાગુ કરીને પહેલા ૧૦ ટકા નવો વૈશ્વિક ટેરિફ લાદ્યો અને પછી શનિવારે તેને ૧૫ ટકા સુધી વધારી દીધો હતો.
ઘણા નિષ્ણાતો કહે છે કે ટેરિફ ગેરકાયદેસર જાહેર થયા પછી, ભારત પર લાદવામાં આવેલા જૂના ટેરિફ માટે કોઈ કાનૂની આધાર બચ્યો નથી. શુક્રવારે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી, ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે લાંબી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ભારત સાથેના વેપાર સોદા અંગે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે આ નિર્ણયથી ભારત સાથેના કરારમાં કંઈ બદલાશે નહીં અને ભારત ચૂકવણી કરવાનું ચાલુ રાખશે. નવો વૈશ્વિક ટેરિફ ૨૪ ફેબ્રુઆરીથી ૧૫૦ દિવસ માટે લાગુ થશે. આ ૧૫૦ દિવસ પછી શું થશે? તે બાબતમાં પણ અનિશ્ચિત્તતા છે.
આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલ્લાનીએ પ્રશ્ન કર્યો કે અમેરિકાની સુપ્રીમ કોર્ટ ટેરિફની કાયદેસર માન્યતા પર પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે તે જાણતા હોવા છતાં નવી દિલ્હી તાજેતરમાં ફ્રેમવર્ક ટ્રેડ ડીલ માટે કેમ સંમત થયું? સુપ્રીમ કોર્ટના નિર્ણય છતાં ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળના એજન્ડાનો મુખ્ય ભાગ ટેરિફ રહેશે, જે તેમના નવા ૧૫ ટકા વૈશ્વિક ટેરિફ દ્વારા સૂચવવામાં આવ્યું છે. કોર્ટના નિર્ણયથી તેમની સ્થિતિ નબળી પડી છે. આંતરરાષ્ટ્રીય વાટાઘાટોમાં ભારતીય સરકારોનો રેકોર્ડ પ્રભાવશાળી નથી, જે ઘણીવાર વાટાઘાટોના ટેબલ પર લાભ ગુમાવવાની પેટર્ન દર્શાવે છે. મોદી સરકારે આ નબળા વલણને ચાલુ રાખ્યું છે.
લદ્દાખ સરહદી વિસ્તારોમાં ચીનના મોટા ઘૂસણખોરી પછી બેઇજિંગ સાથે થયેલા કરારો, ઓપરેશન સિંદૂરને રોકવા માટે યુદ્ધવિરામ કરાર અને અમેરિકા સાથે તાજેતરના ફ્રેમવર્ક વેપાર કરારમાં આ સ્પષ્ટ થાય છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટ ટેરિફની માન્યતા પર નિર્ણય લેશે તે જાણીને પણ નવી દિલ્હીએ આ મહિનાની શરૂઆતમાં વોશિંગ્ટન સાથે એક ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પ્રથમ તબક્કામાં ભારતની જવાબદારીઓ ખૂબ જ સ્પષ્ટ, માત્રાત્મક અને દેખરેખને આધીન હશે, જ્યારે અમેરિકાની પ્રતિબદ્ધતાઓ તબક્કાવાર, શરતી અને ઘણા કિસ્સાઓમાં, ઉલટાવી શકાય તેવી હશે. આ કરારમાં વેપાર ઉપરાંતની પ્રતિબદ્ધતાઓનો સમાવેશ થાય છે.
આમાં રશિયન તેલ આયાતમાં તબક્કાવાર ઘટાડો અને ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં પશ્ચિમી પ્રતિબંધોને આધીન જહાજો વચ્ચે તેલ પરિવહન પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. ભારતે આ સંદર્ભમાં પગલાં લીધાં છે. ૧૬ ફેબ્રુઆરીના રોજ ભારતે અમેરિકાના પ્રતિબંધો લાગુ કરવા માટે તેના પ્રાદેશિક પાણીમાં ઈરાન સાથે જોડાયેલા ત્રણ તેલ ટેન્કરો જપ્ત કર્યા છે. જોકે, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) એ આ દાવાને નકારી કાઢ્યો હતો કે તેલના ટેન્કરો ઈરાન સાથે જોડાયેલા હતા.
વ્હાઇટ હાઉસના એક અધિકારી જણાવ્યું હતું કે જે દેશો અમેરિકા સાથે વેપાર કરાર ધરાવે છે, જેમાં બ્રિટન, ભારત અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે, તેઓ પણ કલમ ૧૨૨ હેઠળ ૧૫ ટકા વૈશ્વિક ટેરિફને પાત્ર રહેશે. ટ્રમ્પ વહીવટીતંત્ર અપેક્ષા રાખે છે કે આ દેશો તેમના વેપાર કરારો હેઠળ આપવામાં આવેલી છૂટછાટોનું સન્માન કરવાનું ચાલુ રાખશે. દિલ્હી સ્થિત ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના અજય શ્રીવાસ્તવના મતે અમેરિકાની સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની ભારત-અમેરિકાના વેપાર સોદા પર પણ અસર પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવાનું વચન આપ્યું હતું, જે ટૂંક સમયમાં થવાનું હતું, પરંતુ તે પહેલાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો, જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પનો પારસ્પરિક ટેરિફ ગેરકાયદેસર બન્યો હતો .
જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવા ૧૫ ટકા વૈશ્વિક ટેરિફની જાહેરાત કરી છે, જે કામચલાઉ છે અને FTA (મુક્ત વેપાર કરાર) હોય કે ન હોય તે ધ્યાનમાં લીધા વિના દરેકને લાગુ પડશે. જો તમે FTA કરો છો તો તમારે તેમને કેટલીક છૂટછાટો આપવી પડશે અને જો તમે FTA નહીં કરો તો કોઈપણ છૂટ વિના ૧૫ ટકા ટેરિફ લાદવામાં આવશે. ભારતીય માલ પર ટેરિફની ગણતરીની મૂંઝવણ સમજાવતા અજય શ્રીવાસ્તવ કહે છે કે અમેરિકામાં થતી ૫૫ ટકા ભારતીય નિકાસ પર ૨૫ ટકા પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યો હતો.
હવે, તેને ૧૫ ટકા વૈશ્વિક ટેરિફ દ્વારા બદલવામાં આવશે. અમેરિકાએ પહેલાથી જ સમગ્ર વિશ્વ માટે બાકીની ૪૫ ટકા ભારતીય નિકાસમાંથી લગભગ અડધાને ટેરિફમાંથી મુક્તિ આપી દીધી છે, જેમાં સ્માર્ટફોન, દવાઓ, પેટ્રોલિયમ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. હવે સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા બાકીના ઉત્પાદનો પર અમેરિકાએ વિશ્વભરના દેશો પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે. કેટલાક ઓટો ઘટકો પર ૨૫ ટકા ટેક્સ છે અને આ ફોર્મ્યુલા સમગ્ર વિશ્વમાં સમાન રીતે લાગુ કરવામાં આવશે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફ ગેરકાયદેસર જાહેર કર્યો હતો, કારણ કે અમેરિકન કોંગ્રેસ પાસે તે લાદવાનો અધિકાર હતો.
સુપ્રીમ કોર્ટના નિર્ણય દ્વારા ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારમાં કંઈપણ બદલાશે નહીં અને તેઓ ચૂકવણી કરશે, જ્યારે અમેરિકાએ કંઈપણ ચૂકવવું પડશે નહીં. પરંતુ નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પના દાવાને કોઈ કાનૂની આધાર નથી. અજય શ્રીવાસ્તવ એમ પણ કહે છે કે ભારત અને અમેરિકા વચ્ચે વાટાઘાટો થઈ રહેલા વેપાર કરારનો ફક્ત એક જ કાનૂની આધાર છે, ૬ ફેબ્રુઆરીએ જારી કરાયેલ સંયુક્ત નિવેદન. સંયુક્ત નિવેદનમાં એક ખૂબ જ સ્પષ્ટ શરત લખેલી છે કે જો બંને દેશોમાંથી કોઈ પણ પોતાના ટેરિફમાં ફેરફાર કરે છે, તો બીજો દેશ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર રહેશે. હવે જ્યારે અમેરિકામાં ટેરિફમાં ફેરફાર કરવામાં આવ્યા છે, તો આપણે તેના પર ફરીથી વિચાર કરવો પડશે.
અજય શ્રીવાસ્તવ કહે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલા નવા ૧૫ ટકા વૈશ્વિક ટેરિફનો પાયો પણ ખૂબ જ નબળો છે અને તેને પડકાર પણ આપવામાં આવશે. હકીકતમાં, કલમ ૧૨૨, જેના હેઠળ ટ્રમ્પે નવા વૈશ્વિક ટેરિફની જાહેરાત કરી હતી, તે ફક્ત ૧૫૦ દિવસના સમયગાળા માટે મહત્તમ ૧૫ ટકા ટેરિફની મંજૂરી આપે છે. આ કાયદો એવા સમયગાળાનો ઉલ્લેખ કરે છે, જ્યારે સ્થિર વિનિમય દરો અસ્તિત્વમાં હતા. હાલમાં અમેરિકામાં ન તો ચુકવણી સંતુલનની સમસ્યા છે અને ન તો ત્યાં કોઈ નિશ્ચિત વિનિમય દરનો મુદ્દો છે. તેથી જ લોકો પહેલાથી જ કહેવા લાગ્યા છે કે ખૂબ જ ટૂંક સમયમાં અમેરિકાએ પણ તેને પાછું ખેંચવું પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.