પુસ્તક બદલે ઝાડુ પકડી વિદ્યાર્થીઓએ ! સુરતની સરકારી શાળાની ઘટનાએ ઉઠાવ્યા ગંભીર સવાલો
સુરત શહેરમાં શિક્ષણ વ્યવસ્થાને સવાલો સામે ઉભું કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. Suratની એક સરકારી શાળામાં નાના વિદ્યાર્થીઓને હાથમાં પુસ્તક અને પેનના બદલે ઝાડુ અને પોતા પકડાવી સફાઈ કામ કરાવવામાં આવ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાએ માત્ર વાલીઓ જ નહીં પરંતુ સમગ્ર શિક્ષણ જગતને ઝંઝોડીને મૂકી દીધું છે.

વાઇરલ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે શાળાના નાના ભૂલકાઓ તડકામાં ઊભા રહી શાળાનું પટાંગણ સાફ કરી રહ્યા છે, તો કેટલાક વિદ્યાર્થીઓ લોખંડની ગ્રિલ અને આસપાસનો કચરો સાફ કરતા નજરે પડે છે. શિક્ષકો અને શાળા સ્ટાફ માત્ર દૂરથી નિહાળી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે. જે ઉંમરે બાળકોને ભણવા, રમવા અને પોતાના ભવિષ્યના સપના ઘડવા જોઈએ, તે ઉંમરે તેમને સફાઈ કામદારની જેમ કામે લગાડવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
આ વીડિયો સામે આવતા જ વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. વાલીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું સ્વચ્છતા જાગૃતિના નામે બાળકો પાસે મજૂરી કરાવવી યોગ્ય છે? શું શિક્ષણ પ્રણાલીમાં આવી પ્રવૃત્તિઓને મંજૂરી છે?ઘટના અંગે શાળાના આચાર્યએ પ્રાથમિક પ્રતિભાવ આપતા જણાવ્યું કે વીડિયો તેમની જ શાળાનો છે અને ઉદ્દેશ્ય માત્ર સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો, મજૂરી કરાવવાનો નહીં. તેમણે ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં આવી ઘટના ફરી નહીં બને તેવી ખાતરી આપી. તેમ છતાં, સમાજમાં ચર્ચા છે કે જનજાગૃતિ માટે પણ બાળકોને શારીરિક પરિશ્રમ કરાવવો કેટલો યોગ્ય ગણાય?
આ ગંભીર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ Rajendra Kapadiyaએ કડક વલણ અપનાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, શાળાઓને સફાઈ અને જાળવણી માટે પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામ કરાવવું નિયમોનું ઉલ્લંઘન છે અને અસ્વીકાર્ય છે.સમિતિ દ્વારા નિરીક્ષકોની વિશેષ ટીમ બનાવી શાળાની સ્થળ પર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટના આધારે જવાબદાર આચાર્ય અને શિક્ષકો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ શહેરની તમામ શાળાઓ માટે પરિપત્ર બહાર પાડી સ્પષ્ટ સૂચના આપવામાં આવશે કે કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કે અન્ય કામ કરાવી શકાશે નહીં.
આ ઘટના શિક્ષણ પ્રણાલીમાં જવાબદારી અને સંવેદનશીલતા અંગે મોટો સવાલ ઊભો કરે છે. હવે જોવાનું એ રહેશે કે તપાસ બાદ દોષિતો સામે કેટલી કડક કાર્યવાહી થાય છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા શું અસરકારક પગલાં લેવાય છે