SURAT

સુરતમાં બોર્ડ પરીક્ષા પૂર્વે ખાસ આયોજન: ટ્રાફિકથી પ્રભાવિત 203 કેન્દ્રોની યાદી જાહેર

ઘોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આવતી 26 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ માટે વિદ્યાર્થીઓ એક્ઝામ હોલ પર સમયસર પહોંચી શકે એ માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેટ્રોના ચાલી રહ્યા કામકાજને કારણે મોટા પ્રમાણમાં રસ્તાઓ બંધ છે અને અમુક એરિયામાં ડાઇવર્ઝન આપવામાં આવ્યા છે.શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને 203 પરીક્ષા કેન્દ્રોને ટ્રાફિકથી પ્રભાવિત તરીકે ઓળખી તેમની યાદી જાહેર કરવામાં આવી છે. આ પગલાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ સમયસર અને સુરક્ષિત રીતે એકઝામ સેન્ટર સુધી પહોંચી શકે  એ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરના કેટલાક વિસ્તારોમાં સવાર અને બપોરના સમયે ભારે ટ્રાફિક જામ રહે છે. આ વ્યસ્ત રસ્તાઓમાં ખાસ કરીને ચોક બજાર, અઠવાગેટ, વરાછા, કતારગામ, ઓલપાડ, રાંદેર, ઉધના, કામરેજ અને સચિન વગેરે છે. આ એરિયામાં રહેતા કે જેમનું સેન્ટર આ એરિયામાં હોય તેવા વિદ્યાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના ઓછામાં ઓછા એક કલાક પહેલા કેન્દ્ર પર પહોંચી જાય એવી સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને શાળા-કોલેજો, મુખ્ય રસ્તાઓ અને બજાર વિસ્તાર નજીક આવેલા પરીક્ષા કેન્દ્રોમાં વધુ ભીડ થતી હોય તેવા એરિયાઓમાં ખાસ.

શિક્ષણ વિભાગ અને ટ્રાફિક પોલીસ વચ્ચે સંકલન સાધી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા દિવસોમાં કેટલાક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન, વધારાની પોલીસ ફોર્સ અને વાહન પાર્કિંગ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. કેન્દ્ર આસપાસ અનાવશ્યક વાહન પાર્કિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને પ્રવેશમાં મુશ્કેલી ન પડે. સંવેદનશીલ ગણાતા કેન્દ્રોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. ત્યાં મેટલ ડિટેક્ટર અને ચેકિંગની સુવિધા ગોઠવાશે. સાથે જ, પરીક્ષા દરમિયાન અવાજ પ્રદૂષણ નિયંત્રણ માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વાતાવરણ મળે. શહેરમાં આ વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. ટ્રાફિકની સમસ્યાને કારણે કોઈ વિદ્યાર્થી મોડો ન પડે તે માટે આ પૂર્વ તૈયારી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ વાલીઓને પણ અનુરોધ કર્યો છે કે તેઓ બાળકોને સમયસર રવાના કરે અને શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન અથવા શેરિંગ સુવિધાનો ઉપયોગ કરે. શિક્ષણ તંત્રનું કહેવું છે કે યોગ્ય આયોજન અને સહકારથી પરીક્ષા પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકશે. ટ્રાફિક વ્યવસ્થામાં સુધારા અને સમયસર માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ નિર્ભય બની પરીક્ષા આપી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top