ભારતે AI ક્ષેત્રમાં હાંસલ કરેલી તથાકથિત સિદ્ધિઓનું પ્રદર્શન કરવા નવી દિલ્હીમાં વિરાટ AI મેળાનું આયોજન કરવામાં આવ્યું છે પણ તેમાં પહેલા જ દિવસે જે અંધાધૂંધી મચી ગઈ, તેને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ફજેતી થઈ છે. ભારતની પ્રજાને રોજબરોજના જીવનમાં જે ગેરવહીવટ, નોકરશાહીની તુમાખી, નબળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વીઆઈપી કલ્ચરની પીડા ભોગવવી પડે છે, તે બધી જ પીડાનો આસ્વાદ દિલ્હીના મેળામાં ચાખવા મળ્યો હતો. ભારતની સરકાર દેશને કેશલેસ બનાવવાની અને ડિજિટલ કરન્સી લાવવાની વાતો કરી રહી છે, પણ દિલ્હીના મેળામાં ઓનલાઈન પ્રવેશ ફી લેવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને રોકડાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો, કારણ કે મેળાના સ્થળે ઇન્ટરનેટ જ ડાઉન હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીઆઈપી કલ્ચરને નાબૂદ કરવાની વાત કરે છે, પણ તેમણે ઓચિંતું આગમન કરીને તમામ સ્ટોલધારકોને વીઆઈપી કલ્ચરનો સ્વાદ ચખાડી દીધો હતો. વડા પ્રધાનની સુરક્ષા માટે તેઓ જે જગ્યા પર ફોટોશૂટ કરવાના હતા તેની આજુબાજુના તમામ સ્ટોલ બળજબરીથી ખાલી કરાવવામાં આવ્યા હતા. આ સ્ટોલમાં ભારતની AI ક્ષેત્રની ઉપલબ્ધિઓ બતાડવા આવેલા ટેક કંપનીઓના શૂટબૂટ પહેરેલા ઓફિસરોને મંડપની બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓ બાપડા તડકામાં તપતા હતા ત્યારે મોદી વાતાનુકૂલિત મંડપમાં રીલ્સ બનાવી રહ્યા હતા. કલાકો સુધી તપ્યા પછી સ્ટોલધારકો જ્યારે પાછા આવ્યા ત્યારે તેમનાં અદ્યતન સાધનો ચોરાઈ ગયાં હતાં.
સમિટનું ઉદ્ઘાટન ખીચોખીચ ભરેલા હોલ, લાંબી કતારો, નબળી કનેક્ટિવિટી અને પ્રવેશ સૂચનાઓ અંગે મૂંઝવણ દ્વારા ખરાબ અનુભવો કરાવનારું બન્યું હતું. ભારે ભીડને કારણે લોકોને સુરક્ષા તપાસ પ્રક્રિયામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટના ઉદ્ઘાટનના દિવસે થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારની ગેરવહીવટ માટે ટીકા કરી છે.
AI ઇમ્પેક્ટ સમિટના એક વીડિયોએ સોશ્યલ મીડિયા પર મોટી ચર્ચા જગાવી હતી. દિલ્હીમાં AI સમિટ દરમિયાન ગેલગોટિયાસ પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા પ્રદર્શિત કરાયેલા રોબોટિક કૂતરા પર વિવાદ થતાં જ સોશ્યલ મીડિયા પર મીમ્સ અને કટાક્ષ સામે આવવા લાગ્યા હતા. આરોપો લાગ્યા હતા કે યુનિવર્સિટી ચીની ટેકનોલોજીને પોતાની ટેકનોલોજી તરીકે રજૂ કરી રહી છે. યુનિવર્સિટીના પ્રતિનિધિઓએ સમજાવ્યું કે રોબોટિક કૂતરો તેમના કેમ્પસમાં ફરે છે અને દેખરેખ રાખવા અને સુરક્ષામાં મદદ કરવા સહિત વિવિધ કાર્યો કરી શકે છે.
આ વીડિયો વાયરલ થયા પછી, ઘણાં લોકોએ દાવો કર્યો કે આ રોબોટ વાસ્તવમાં ચીની કંપની યુનિટ્રી રોબોટિક્સ દ્વારા બનાવવામાં આવેલ એક મોડેલ છે, જેને યુનિટ્રી ગોટુ કહેવામાં આવે છે. આ રોબોટ આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ ૨,૮૦૦ ડોલરમાં સરળતાથી ખરીદી શકાય છે. યુનિવર્સિટીએ AI ક્ષેત્રમાં ૩૫૦ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાનો દાવો કર્યો છે. આ રોબોટ ડોગ દ્વારા દુનિયાના પ્રતિનિધિઓને એવો સંદેશો આપવામાં આવ્યો હતો કે ભારત નકલ કરવામાં જ નિષ્ણાત છે.
બ્રિટિશ અખબાર ફાઇનાન્સિયલ ટાઇમ્સે ભારતની AI મહત્ત્વાકાંક્ષાઓ પર પ્રશ્નો ઊભા કર્યા છે. છેલ્લા દાયકામાં ભારતનો સંશોધન અને વિકાસ ખર્ચ GDPના ૦.૭ ટકાથી ઓછો થઈ ગયો છે, જે ચીનના ૨.૫ ટકા અને અમેરિકાના ૩.૫ ટકા કરતાં ઘણો ઓછો છે. ભારતનો મોટા ભાગનો ખર્ચ સંરક્ષણ સંશોધન પર થાય છે, જેના કારણે નાગરિક ટેકનોલોજીકલ નવીનતા માટે મર્યાદિત સંસાધનો બાકી છે. ૨૦૨૨ માં ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલયને સરકારના કુલ સંશોધન અને વિકાસ ખર્ચના માત્ર બે ટકા જ મળ્યા હતા. ભારતનું ખાનગી ક્ષેત્ર પણ AI ને સ્વીકારવામાં ધીમું રહ્યું છે.
ગયા વર્ષની જેમ, કેટલાક વરિષ્ઠ ઉદ્યોગ નેતાઓએ પ્રશ્ન કર્યો હતો કે શું ભારતને પોતાના મોટા ભાષા મોડેલ વિકસાવવાની જરૂર છે અને AI તેજીને ચિપ-સંચાલિત હાઇપ તરીકે ફગાવી દીધી હતી. પ્રાદેશિક ભાષા AI સિસ્ટમ્સમાં પ્રોત્સાહક પ્રયાસો છતાં, ભારત હજુ પણ અગ્રણી મોડેલ વિકાસ, સેમિકન્ડક્ટર ક્ષમતા અને મૂળભૂત સંશોધન ઇકોસિસ્ટમમાં અમેરિકા અને ચીનથી પાછળ છે. આ AI ઇમ્પેક્ટ સમિટનો વિરોધાભાસ છે. ભારત વૈશ્વિક નેતાઓને એકસાથે લાવી શકે છે અને વિકાસ માટે AI ને સમર્થન આપી શકે છે, પરંતુ ફક્ત તેનું આયોજન કરવાથી AI રેસ સમાન નહીં થાય. એઆઈ ઈમ્પેક્ટ સમિટ રાજદ્વારી મુદ્રાઓથી આગળ વધે તે માટે ભારતે નક્કર પગલાં લેવાં પડશે. સ્પષ્ટ આદેશો, વિશ્વસનીય વ્યૂહરચના, વધેલાં રોકાણ અને રાષ્ટ્રવ્યાપી કૌશલ અભિયાન સાથે સંકલન સંસ્થા આવશ્યક છે. વિદેશી ટેકનોલોજીકલ ઇકોસિસ્ટમ પર આધાર રાખીને ભારત ગ્લોબલ સાઉથમાં એઆઈ નેતૃત્વનો દાવો કરી શકે નહીં.
આ એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે અને ૨૦ દેશોના રાષ્ટ્રપતિઓ, વડા પ્રધાનો અને ઉપરાષ્ટ્રપતિઓ તેમાં આવ્યા છે. આવી સ્થિતિમાં, આંતરરાષ્ટ્રીય મીડિયા પણ આ સમિટ પર નજર રાખી રહ્યું છે. આ સમિટની ચર્ચા વિદેશી મીડિયામાં ઘણાં કારણોસર થઈ રહી છે. યુએસ મીડિયા આઉટલેટ બ્લૂમબર્ગે લખ્યું કે તાજેતરનાં વર્ષોમાં ભારતનું સૌથી મોટું બિઝનેસ સમિટ આ અઠવાડિયે અંધાધૂંધીમાં ફસાઈ ગયું છે. અચાનક સુરક્ષા કડકાઈના કારણે સેંકડો પ્રતિનિધિઓ ખોરાક અને પાણી વિના ફસાઈ ગયાં હતાં. AI માં દેશની પ્રગતિ દર્શાવવા માટે રચાયેલ એક પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે આ એક આંચકો હતો. ભારત કૃત્રિમ બુદ્ધિ સમિટના પહેલા દિવસની અંધાધૂંધી પછી, મંગળવારે વસ્તુઓ વધુ શાંત દેખાઈ હતી.
સહભાગીઓ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશાળ પ્રદર્શન સંકુલના હોલ વચ્ચે સરળતાથી આગળ વધ્યા હતા. કેન્યાના મોસેસ થિગા સમિટના કદથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેઓ ખાસ કરીને બહુરાષ્ટ્રીય કંપનીઓની હાજરીથી પ્રભાવિત થયા હતા. તેમને શરૂઆતના દિવસે થયેલી અંધાધૂંધી અંગે કોઈ ફરિયાદ નહોતી, જ્યારે સેંકડો સહભાગીઓને કાં તો પરિસરમાં કેદ કરવામાં આવ્યા હતા અથવા કલાકો સુધી બહાર રોકવામાં આવ્યા હતા. થિગાએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા ત્યાં સુધી બધું સરળતાથી ચાલી રહ્યું હતું. તેમની સાથેની સુરક્ષા ટીમે સમગ્ર સંકુલને સીલ કરી દીધું હતું. ઘણા સહભાગીઓએ મોદી ગયા ત્યાં સુધી ખોરાક કે પાણી વિના અંદર રહેવાની ફરિયાદ કરી હતી.
બ્રિટિશ સમાચાર એજન્સી રોઇટર્સે તેના અહેવાલમાં લખ્યું છે કે ભારતે જે હેતુ માટે AI ઇમ્પેક્ટ સમિટનું આયોજન કર્યું હતું તેનાથી વિપરીત, સોમવારે તેને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. સહભાગીઓએ લાંબી કતારો, ભીડ અને સંગઠનાત્મક ખામીઓ વિશે વ્યાપક ફરિયાદ કરી હતી. ઘણાં લોકોનું કહેવું છે કે અસ્પષ્ટ સૂચનાઓને કારણે પ્રદર્શન ઇમારતને અચાનક સુરક્ષા તપાસ માટે ખાલી કરાવ્યા પછી ગભરાટમાં ફસાયેલાં લોકો પોતાનો સામાન મેળવવા માટે દોડી ગયાં હતાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર માટે, આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં અરાજકતા ફક્ત છબીનો પ્રશ્ન નથી; તેની સંગઠનાત્મક ખામીઓ ભારતના તકનીકી કૌશલના સંદેશને પણ નબળી પાડવાનું જોખમ ધરાવે છે. AI વોઇસ સ્ટાર્ટઅપ બોલનાના સહ-સ્થાપક મૈત્રેય વાઘે X પર લખ્યું કે ગેટ બંધ છે, તેથી હું AI સમિટમાં મારા પોતાના બૂથ સુધી પહોંચી શક્યો નહીં. જો તમે પણ બહાર ફસાયેલાં છો અને બોલના ટીમને મળવા માંગતા હો, તો મને DM કરો. તેણે મજાકમાં કહ્યું કે કદાચ આપણે કનોટ પ્લેસના કોઈ કાફેમાં એક નાનું મીની-બૂથ બનાવી શકીએ. ભારતની નોકરશાહી દ્વારા આ સમિટમાં વાસ્તવિક ભારતનું બિહામણું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.