SURAT

તંત્રના મિસમેનેજમેન્ટનું વરવું પરિણામ, વેડ-ડભોલી બ્રિજ બંધ થતા રાંદેર ગામમાં ટ્રાફિકની સમસ્યા

સુરતઃ સમારકામના લીધે જહાંગીરપુરાથી ડભોલી તરફ જતાં બ્રિજનો એક તરફનો ભાગ વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. જેના લીધે રાંદેર, અડાજણથી ડભોલી, કતારગામ, સિંગણપોર તરફ જતો ટ્રાફિક કોઝવે તરફ ફંટાયો છે. આ તમામ વાહનચાલકો રાતદિવસ રાંદેર ગામમાંથી પસાર થઈ રહ્યાં હોય ગામમાં વસતા 70 હજારથી વધુ લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. રમજાન માસ શરૂ થવા ટાણે જ ટ્રાફિક બોમ્બ ફૂટતાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તંત્ર તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવે તે માટે માંગ ઉઠાવી છે.

  • કોઝવે તરફ જવા માટે વાહનચાલકો રાંદેર ગામમાંથી પસાર થતાં હોય સ્થાનિકો ત્રાહિમામ, લોકોએ જાતે કોઝવે તરફ જવાના રસ્તાના બેનર ચિતરવા પડ્યા
  • રમજાન માસ શરૂ થવા પહેલાં ટ્રાફિકની વકરેલી સ્થિતિને જોતાં રાંદેરના 70 હજારથી વધુ લોકો ચિંતામાં મુકાયા

પ્રાપ્ત માહિતી અનુસાર વેડ ડભોલી બ્રિજ રિપેરિંગ કામગીરીના લીધે બંધ કરાયો હોવાથી રાંદેર વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે. બ્રિજ બંધ થતાં ટ્રાફિક કોઝવે તરફ વળ્યો છે, પરંતુ કોઝવે પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોઈ ભારે વાહનો રાંદેર ગામતળમાં પ્રવેશયા બાદ ફસાઈ જાય છે. તેથી ટ્રાફિક વકરે છે. ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાતી હોવાના લીધે સ્થાનિકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાંદેર ફાયર સ્ટેશનથી રાંદેર બસ સ્ટોપ અને બસ સ્ટોપથી કોઝવે સુધીનો કબ્રસ્તાન વાળા રોડ પર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે.

અહીં લોકોએ વાહનચાલકોની સુવિધા માટે કોઝવે તરફ, સિંગણપોર તરફ જવાનો રસ્તો એવા બોર્ડ જાતે ચોકથી ચિતરીને ઠેરઠેર મુકવા પડ્યા છે. સ્થાનિક દુકાનદાર સુફિયાન કહે છે, દુકાન છોડી અહીં ટ્રાફિકની વ્યવસ્થા સાચવવા માટે રસ્તા પર ઉતરવું પડે છે. જ્યારે કાર, ટ્રક જેવા વાહનો ફસાય ત્યારે સ્થાનિકોએ ટ્રાફિક ક્લિયર કરાવવો પડે છે. મનપા કે ટ્રાફિક વિભાગ તરફથી કોઈ મદદ મળી રહી નથી.

સ્થાનિક આગેવાન સૌહેલ શેખે આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને ટ્રાફિક વિભાગના અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી છે. જહાંગીરપુરા-ડભોલી બ્રિજના ટ્રાફિકને કોઝવે તરફ ડાયવર્ઝન અપાયું પરંતુ રાંદેર ગામમાં ટ્રાફિક બ્રિગેડ, સિગ્નલ જેવી કોઈ સુવિધાઓ કરાઈ નથી. મનપા દ્વારા રાંદેરની ગલીઓમાંથી દબાણ દૂર કરાયા નથી, તેના લીધે ટ્રાફિક વકરી રહ્યો છે. અમે માંગ કરી છે કે, મોરાભાગળથી રામનગર ચાર રસ્તા થઈ પીપરડીવાળા સ્કૂલથી રોયલ હેરિટેજ માર્ગ થઈ કોઝવે તરફ ડાયવર્ઝન આપવામાં આવે. જેથી રાંદેર ગામની સાંકળી ગલીઓ પરથી ટ્રાફિકનું ભારણ દૂર થાય.

રમજાન શરૂ થયા બાદ સ્થિતિ વધુ વકરવાનો ભય
રમજાન માસ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે રાંદેર ગામમાં પ્રખ્યાત બજાર ભરાશે. બજારના લીધે દર વર્ષે રાંદેર ગામમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. દરમિયાન જો વેડ-ડભોલીથી કોઝવે તરફ જતા વાહનો રાંદેર ગામમાંથી પસાર થશે તો ટ્રાફિકની સમસ્યા ખૂબ વકરશે. તંત્ર આગોતરું આયોજન નહીં કરે તો સ્થાનિકો મોટી મુશ્કેલીમાં મુકાય તેવો ભય છે.

સ્થાનિકોની આ છે માંગણી

  • રાંદેર ગામતળ વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મુકવામાં આવે.
  • ટ્રાફિક વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે જરૂરી સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે.
  • વાહન ચાલકોને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે સ્પષ્ટ અને મોટા ડાયવર્ઝન સૂચક બોર્ડ મુકવામાં આવે.
  • મોરાભાગળથી રામનગર ચાર રસ્તા થઈ પીપરડીવાળા સ્કૂલથી રોયલ હેરિટેજ માર્ગ થઈ કોઝવે તરફ ડાયવર્ઝન આપવામાં આવે.

Most Popular

To Top