બારડોલી નગરપાલિકા અને તાલુકો જ નહીં બારડોલી ખુદ એક ઇતિહાસ છે. સરદાર, ગાંધી, નહેરુ, સુભાષચંદ્ર, કસ્તુરબાનાં સ્વાતંત્ર્ય આંદોલનની ગૌરવગાથા છે. બારડોલી સુરત જિલ્લાનો તાલુકો છે પણ મહુવા, પલસાણા, કામરેજ, માંડવી, વ્યારાનાં ઘણાં ગામોની મધ્યે બારડોલી હોવાથી આ ગામો સામેલ કરીને એક અલગ જિલ્લો જાહેર કરવો જોઈએ. મીંઢોળાના કિનારે વસેલું નગર રેલવે અને એક્સપ્રેસ હાઈ વે, નેશનલ હાઇ વેથી જોડાએલું છે. જિલ્લો બનવાથી વહીવટી કામકાજ ઝડપી બનશે. લોકોનો સમય બચશે અને કૃષિપ્રધાન વિસ્તારને નવી ઓળખ મળશે. શૈક્ષણિક દૃષ્ટિએ પણ કોલેજ, શાળા અને સામાજિક સંસ્થાઓ અહીં ખૂબ સક્રિય છે. હોસ્પિટલથી લઈ ઘણી માળખાગત સુવિધાઓ છે તેનાથી વધશે, જેનો લાભ આ વિસ્તારને મળી શકે. બીજું, જિલ્લો બનાવવાની માંગ લાગણીનો પ્રશ્ન નથી પરંતુ વહીવટી સરળતા માટે પણ ઐતિહાસિક બારડોલીને માન મળે તો બારડોલી માટે ઐતિહાસિક ક્ષણ હશે.
સુરત – મુકેશ બી. મહેતા-બામણિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
દીકરીનો ક્રિકેટમાં ડંકો
આદિવાસી બહુમતી ધરાવતા ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ચીરાપાડા ગામની 13 વર્ષની ફેની ચૌધરીની પસંદગી બીસીસીઆઈ અંડર 15 મહિલા વન-ડે ટ્રોફી માટે થઈ છે. આ ઐતિહાસિક સિધ્ધિ મેળવી ફેનીએ સમગ્ર ડાંગ જિલ્લાનું તથા આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. ફેની અત્યારે ધો.8 માં જે.બી. એન્ડ કોર્પ વિદ્યા સંકુલ, કામરેજ ખાતે અભ્યાસ કરી રહી છે. ફેની માત્ર ક્રિકેટર જ નહિ, પરંતુ નેશનલ લેવલ એથિલિટ પણ છે. તાજેતરમાં ચિલ્ડ્રન યુનિ ટી., ગાંધીનગર ખાતે આયોજીત એથ્લેટિક્સ મીટમાં 800 મીટર દોડમાં પણ પ્રથમ આવી હતી. ફેની ક્રિકેટમાં એક ઓલરાઉન્ડર ખેલાડી તરીકે પોતાની અલગ ઓળખ બનાવી રહી છે. સુરત સ્થિત ફ્રી ક્રિકેટ એકેડમી ખાતે તેને કોચ ધનસુખભાઈનું માર્ગદર્શન મળી રહ્યું છે. વળી અન્ય એક કોચ ચિરાગભાઈ તરફથી પણ તેને પ્રોત્સાહન મળે છે. ફેની સમગ્ર આદિવાસી સમાજ અને ડાંગ જિલ્લા માટે ગૌરવનું પ્રતીક બની છે. ફેનીના પિતા અરવિંદભાઈ ચૌધરી સુરત (કામરેજ – વાવ) ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પહેલાંની જેમ એવું નથી કે ક્રિકેટરો માત્ર મોટાં શહેરોમાંથી જ પસંદગી પામે. વૈભવ સૂર્યવંશી બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજહર ગામનો છે અને ક્રિકેટમાં તરખાટ મચાવી રહ્યો છે.
યુ.એસ.એ. – ડો. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.