વડોદરા, તા.16
વડોદરા શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી 7 સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ગર્ભિત ધમકી ભર્યો ઇ-મેઈલ મળતા જિલ્લા પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની એજન્સીઓ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. સુરક્ષાના ભાગરૂપે તમામ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપવામાં આવી હતી, જેના કારણે વાલીઓમાં ગભરાટ ફેલાયો અને મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલો પર પહોંચી ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ સ્કૂલોના સત્તાવાર ઇ-મેઈલ આઈડી પર આ ધમકીભર્યા મેસેજ મોકલવામાં આવ્યા હતા. ધમકી મળતાની સાથે જ શાળા સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પોલીસ, એસઓજી, એલસીબી તેમજ ડોગ અને બોમ્બ સ્ક્વોડની ટીમોએ તમામ સ્કૂલ સંકુલોને ખાલી કરાવી વિગતવાર તપાસ શરૂ કરી હતી. સ્કૂલના વર્ગખંડો, પરિસર, પાર્કિંગ તેમજ આસપાસના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ હાલ સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો નથી, તેમ છતાં સંપૂર્ણ સંતોષ ન થાય ત્યાં સુધી ચેકિંગ અને તકેદારી ચાલુ રાખવામાં આવી છે.
ડીવાયએસપી મિલન મોદીએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ 7 સ્કૂલોને ધમકી મળી છે, જેમાં તાલુકા પોલીસ સ્ટેશનની ચાર, વાઘોડિયાની એક અને ડભોઇની બે સ્કૂલનો સમાવેશ થાય છે. આ ધમકી ટોનીટા રોસર સહિત અલગ અલગ નામના આઈડી પરથી મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં Gmail અને Hotmailનો ઉપયોગ થયો છે.
ગ્રામ્ય વિસ્તારની ધમકી પ્રાપ્ત સ્કૂલો:
બ્રાઇટ ડે સ્કૂલ CBSE – ભાયલી
નાલંદા સ્કૂલ – મહાપુરા, સેવાસી
ગ્રીન વેલી સ્કૂલ – અંપાડ
ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ – મહાપુરા
ગુજરાત પબ્લિક સ્કૂલ (GPS) – વાઘોડિયા
AWS – ડભોઇ ,મહાદેવ્ય સ્કૂલ_ daboi
પોલીસ દ્વારા ઇ-મેઈલ મોકલનારની ઓળખ માટે સાયબર ક્રાઇમની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.