ગાંધીનગર,તા.13
બજેટ સત્ર પૂર્વે ગુજરાત વિધાનસભા સંકુલ પર પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો અનોખો રંગ છવાઈ ગયો છે. પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી વિધાનસભા હવે રાજ્યના સમૃદ્ધ કલા વારસાનું પ્રતિનિધિત્વ પણ કરતી બની છે.પીએમ નરેન્દ્ર મોદીના ‘વિકાસ પણ, વિરાસત પણ’ના દિશાસૂચન હેઠળ રાજ્ય સરકારે વિધાનસભા સંકુલને ગુજરાતની લોકકલા સાથે શોભાયમાન બનાવવાનું નવતર પગલું ભર્યું છે. આ પહેલ રાજ્યના હજારો કલા-કારીગરોને ગૌરવમય મંચ પૂરું પાડે છે.
સરકારી સાહસ ગુજારત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફટસ ડેવલોપમેન્ટ કો.લીમીટેડની બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’ના માર્ગદર્શન હેઠળ કારીગરોને પસંદ કરી તેમની કુશળતા આધારે ત્રણ મુખ્ય લોકકલાકૃતિઓ વિધાનસભા માટે પસંદ કરવામાં આવી — (૧) કચ્છી મડ મિરર વર્ક (લીપણ કલા), (૨) છોટા ઉદેપુરની વારલી કલા અને (૩) અમદાવાદીની માતાની પછેડી (પરંપરાગત કલમકારી).
વિધાનસભાની દિવાલો પર વારલી કલા દ્વારા પ્રાચીન રાજસભાથી આધુનિક વિધાનસભા સુધીની યાત્રા તેમજ ગ્રામ્યથી શહેરી વિકાસની ઝાંખી રજૂ કરવામાં આવી છે. આ કાર્ય પ્રતિભાશાળી વારલી કલાકાર અર્ચનાબેન રાઠવાએ કર્યું છે, જેમને રાજ્ય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
કચ્છની પરંપરાગત લીપણ કળાને આધુનિક સ્વરૂપ આપનાર ગીરીશ એ. પરમારે મુલતાની માટી અને રંગીન કાચ વડે વિધાનસભાને અનોખી ભવ્યતા આપી છે. તેમણે અગાઉ અનેક મહત્વપૂર્ણ સરકારી પ્રોજેક્ટ્સમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. તે જ રીતે, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ચંદ્રકાંતભાઈ ચિતારા અને તેમના પરિવાર દ્વારા માતાની પછેડી કળા વિધાનસભાની દિવાલો પર કંડારવામાં આવી છે, જેમાં પરંપરા અને આધુનિકતાનું સુંદર સંકલન જોવા મળે છે.
ગરવી ગુર્જરીની આ પહેલ માત્ર શોભા પૂરતી નથી, પરંતુ સ્થાનિક કારીગરોને પ્રતિષ્ઠિત સરકારી પ્રોજેક્ટ્સમાં સ્થાન આપીને તેમની કળાને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ પહેલથી ગુજરાત વિધાનસભા સંકુલ હવે માત્ર શાસનનું કેન્દ્ર નથી, પરંતુ રાજ્યના સાંસ્કૃતિક વારસાનો જીવંત અરીસો બની ગયું છે.