Business

ગ્રહોનો ખેલ, બજારમાં આવી શકે મોટી ઉથલપાથલ

13 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધીનો સમય અત્યંત સંવેદનશીલ : જ્યોતિષી જીગર ઠક્કર
વડોદરા: વર્તમાન ગ્રહયોગોને આધારે આવનારા દિવસોમાં દેશ અને દુનિયામાં મોટી ઉથલપાથલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાણીતા જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રી જીગર ઠક્કરે ગુજરાત મિત્ર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તા. 13 ફેબ્રુઆરીથી 25 માર્ચનો સમયગાળો રાજકીય, આર્થિક અને વૈશ્વિક સ્તરે અત્યંત કપરું સાબિત થઈ શકે છે.
જ્યોતિષીય સંકેતો મુજબ હાલ બુધ ગ્રહ શતભીશા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. સાથે જ મંગળ અને ગુરુની યુતિ, તા. 17 ફેબ્રુઆરીએ ગ્રહણ અને અમાસ, તેમજ મંગળ–રાહુનો અંગારક યોગ રચાઈ રહ્યો છે. આ તમામ સંયોગોનું સંયુક્ત પરિણામ તરીકે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ, સોના-ચાંદીના ભાવોમાં અચાનક વધઘટ જોવા મળી શકે છે.
જીગર ઠક્કરના જણાવ્યા અનુસાર આ સમયગાળામાં બે દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, રાજકીય સત્તામાં અચાનક ફેરફાર, મોટા નેતાઓના પદચ્યૂત થવાના બનાવો સામે આવી શકે છે. સાથે જ કુદરતી આફતો જેમ કે તોફાન, વિસ્ફોટ, આગ, અકસ્માતો અને મોટી દુર્ઘટનાઓની શક્યતા પણ નકારી શકાય નહીં.
તેમણે ચેતવણીરૂપે જણાવ્યું કે આ સમય દરમિયાન વિદેશ પ્રવાસ ટાળવો, તેમજ મોટા સાહસિક રોકાણો કે જોખમી નાણાકીય નિર્ણયો લેવાનું ટાળવું હિતાવહ રહેશે. ગ્રહોની અશાંતિને કારણે ભાવનાત્મક નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જ્યોતિષીય દ્રષ્ટિએ આ સમય સાવચેતી, ધીરજ અને સંતુલન રાખવાનો છે. યોગ્ય આયોજન અને સમજદારીથી આ કપરા સમયને પાર કરી શકાય તેમ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

Most Popular

To Top