ખુલ્લી જગ્યામાં અધૂરા માસે જન્મેલું ભ્રૂણ ત્યજી દેવાયું, પોલીસે તપાસ શરૂ કરી
(પ્રતિનિધિ) ગોધરા, તા. 12
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના કલાલ દરવાજા વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિકની થેલીમાંથી અધૂરા માસે જન્મેલું ભ્રૂણ મળતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં આસપાસના રહીશો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.
મળતી માહિતી મુજબ, કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અધૂરા માસે જન્મેલા ભ્રૂણને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી ખુલ્લી જગ્યામાં ત્યજી દેવામાં આવ્યું હતું. સ્થાનિકોએ આ બાબતની જાણ તાત્કાલિક પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ભ્રૂણનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પાપ છુપાવવા કે અન્ય કોઈ કારણોસર આ અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા ભ્રૂણ કોણે અને ક્યારે ત્યજી દીધું તે જાણવા માટે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ, નજીકની હોસ્પિટલ અને ક્લિનિકોના રેકોર્ડની તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં અગાઉ પણ નવજાત શિશુ કે ભ્રૂણ ત્યજી દેવાના બનાવો સામે આવી ચૂક્યા છે. ફરી એકવાર આવી ઘટના સામે આવતાં સ્થાનિકોમાં રોષ અને શોકની લાગણી જોવા મળી રહી છે. પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ ચાલુ રાખી છે.
રિપોર્ટર: આશિષ બારીયા