26 વર્ષીય એકના એક પુત્રના નિધનથી પરિવારમાં માતમ, પંથકમાં શોકની લાગણી
કાલોલ:
કાલોલ તાલુકાના ઘોડા ગામે આજે એક હૃદયદ્રાવક અકસ્માતમાં ખેતરમાં દવા છાંટતા 26 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત નિપજ્યું છે. પરિવારના એકના એક આશાસ્પદ પુત્રના અકાળ અવસાનથી પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ઘોડા ગામના વતની હર્ષકુમાર રાજુભાઈ પટેલ (ઉ.વ. 26), જે કાલોલ નગરપાલિકાના ફાયર વિભાગમાં નોકરી કરતા હતા, તેઓ આજે સવારે વાડીનાથ મંદિરની બાજુમાં આવેલા લકુવાળા ખેતરમાં હિતેશકુમાર ગોરધનભાઈ પટેલ સાથે દિવેલાના પાકમાં દવા છાંટવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન ખેતર પરથી પસાર થતો વીજ લાઇનનો તાર કોઈ કારણસર તૂટીને નીચે પડ્યો હતો.
દવા છાંટવાની કામગીરીમાં વ્યસ્ત હર્ષકુમારનું ધ્યાન ન રહેતા જીવંત વીજ તાર તેમના ગળાના ભાગે અડી ગયો હતો. તાર ચાલુ હાલતમાં હોવાથી તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. સાથે કામ કરતા હિતેશકુમારે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તારથી છૂટકારો ન મળતા હર્ષકુમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મૃતકને ફોર વ્હીલ વાહનમાં કાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હર્ષકુમાર તેમના માતા-પિતાના એકના એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. યુવકના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.
ખેતરોમાંથી પસાર થતા જર્જરિત વીજ તારોને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે પોલીસે મૃતકના પિતા રાજુભાઈ રમણભાઈ પટેલની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર : વીરેન્દ્ર મહેતા