SURAT

સુરતના રાંદેરમાં અનોખો તસ્કર ત્રાટક્યો!સોના-ચાંદી નહીં,બ્રાન્ડેડ બૂટ પર નજર

સુરતના રાંદેર વિસ્તારમાં એક અનોખી અને ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે ચોરો સોના-ચાંદી કે રોકડ પર હાથ સાફ કરતા હોય છે, પરંતુ અહીં એક તસ્કરે લોકોના મોંઘા પગરખાંને નિશાન બનાવ્યા છે. રાંદેર નવયુગ કોલેજ પાસે આવેલી જિલ્લા પંચાયત સોસાયટીમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.વાઈરલ સીસીટીવી પરથી મળતી માહિતી મુજબ ગત 9મી તારીખે મોડી રાત્રે અંદાજે અઢી વાગ્યાના અરસામાં એક અજાણ્યો શખ્સ સોસાયટીમાં પ્રવેશ્યો હતો. તે સોસાયટીના પાછળના ભાગે આવેલી વાડ કૂદીને અંદર ઘૂસ્યો હતો.સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ચોર ખાલી કોથળા લઈને આવ્યો હતો, જે દર્શાવે છે કે તે પૂર્વ તૈયારી સાથે જ આવ્યો હતો.

આ તસ્કરે સોસાયટીના લગભગ 60 જેટલા મકાનોમાંથી 48 ઘરોની બહાર મુકેલા શૂ-કેસ તપાસ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે તેણે માત્ર બ્રાન્ડેડ અને નવા દેખાતા મોંઘા બૂટ-ચપ્પલની જ પસંદગી કરી હતી. જૂના અથવા સામાન્ય પગરખાંને તેણે હાથ પણ લગાવ્યો નહોતો. માત્ર એક કલાકના સમયગાળામાં તેણે બે મોટા કોથળા ભર્યા અને ત્યાંથી રફુચક્કર થઈ ગયો.સવારે જ્યારે રહીશો દૂધ લેવા કે કામે જવા માટે ઘરની બહાર નીકળ્યા ત્યારે પગરખાં ગાયબ જોઈને તેઓ ચોંકી ઉઠ્યા. એક પછી એક ઘરોમાંથી પગરખાં ચોરાયા હોવાની વાત સામે આવતાં સોસાયટીમાં કુતૂહલ અને ચિંતા ફેલાઈ ગઈ. બાદમાં સીસીટીવી ફૂટેજ તપાસતા સમગ્ર ઘટનાનો ભેદ ખુલ્યો.

પરંતુ સોસાયટીના રહીશો આ ઘટનાથી નારાજ અને સતર્ક બન્યા છે. તેઓએ સીસીટીવી ફૂટેજ જાહેર કરીને અન્ય સોસાયટીના લોકોને પણ સાવચેત રહેવાની અપીલ કરી છે.રાંદેરમાં બનેલી આ અનોખી ચોરીએ શહેરમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ ‘પગરખાં ચોર’ પોલીસના હાથે ક્યારે ચડે છે અને આવી ઘટનાઓને રોકવા માટે તંત્ર શું પગલાં લે છે.

Most Popular

To Top