Columns

ભારત રશિયાથી ખનિજ તેલની આયાત બંધ કરશે કે નહીં? તેનો કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી

ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરાર પછી ભારત રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદવાનું ચાલુ રાખશે કે નહીં? એ બાબતમાં જબરદસ્ત ગૂંચવાડો પેદા થયો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને ઘણા આંતરરાષ્ટ્રીય મંચો પર આ પ્રશ્નનો સામનો કરવો પડ્યો છે કે ભારત રશિયા પાસેથી ખનિજ તેલની આયાત કરવાનું કેમ બંધ કરતું નથી. તેના જવાબમાં જયશંકરે સતત કહ્યું કે ભારત તેની ઊર્જા સુરક્ષા પોતાની શરતો પર નક્કી કરશે. કોઈ અન્ય દેશ કે જૂથ તેને નિર્દેશિત કરી શકશે નહીં, પરંતુ ૨ ફેબ્રુઆરીના રોજ ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર કરાર અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો ભારત માટે અસ્વસ્થતાભરી પરિસ્થિતિ ઊભી કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

હકીકતમાં, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર કરાર અંગે ટ્રુથ સોશ્યલ પર પોસ્ટ કરી, ત્યારે તેમણે પોતાની પોસ્ટમાં દાવો કર્યો કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને અમેરિકન તેલની ખરીદી વધારવા માટે સંમત થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પના મતે, ભારત રશિયા પાસેથી તેલ ન ખરીદે તે આ સોદાની એક મહત્ત્વપૂર્ણ શરત છે, પરંતુ જ્યારે ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલને એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલય આ પ્રશ્નનો જવાબ આપશે.

પીયૂષ ગોયલના જવાબના બે દિવસ પહેલાં, સમાચાર એજન્સી ANI એ વિદેશ મંત્રી એસ. જયશંકરને વેપાર સોદામાં રશિયાથી ખનિજ તેલની આયાત અંગે પ્રશ્ન કર્યો હતો ત્યારે જયશંકરે આ માટે પીયૂષ ગોયલને જવાબદાર ઠેરવ્યા હતા. આ રીતે ભારતના વાણિજ્ય મંત્રી વિદેશ મંત્રીનો હવાલો આપી રહ્યા છે અને વિદેશ મંત્રી વાણિજ્ય મંત્રી પર જવાબદારી ઢોળી રહ્યા છે, જેને કારણે ગૂંચવાડો વધી રહ્યો છે. હજુ પણ ભારત રશિયાથી ખનિજ તેલની આયાત ચાલુ રાખશે કે નહીં? તે સવાલનો જવાબ મળતો નથી. કદાચ ભારતના રાજકારણીઓ રશિયા કે અમેરિકા નારાજ થશે તેવા ભયથી સાચો જવાબ ટાળી રહ્યા છે.

હવે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ રશિયા પાસેથી તેલ ખરીદવાના પ્રશ્નનો વિચિત્ર અને ગોળગોળ જવાબ આપ્યો છે. સોમવારે એક પ્રેસ બ્રીફિંગમાં વિક્રમ મિશ્રીને પૂછવામાં આવ્યું કે શું ભારત અમેરિકાના દાવા મુજબ રશિયન તેલ ખરીદવાનું બંધ કરશે? તેનો જવાબ આપતાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે ભારત તેલ માટે કોઈ એક સ્રોત પર નિર્ભર નથી અને ન તો તેનો તેમ કરવાનો ઈરાદો છે. તમે જાણો છો કે ભારત મુખ્યત્વે તેલ અને ગેસ ક્ષેત્રમાં આયાતકાર છે. આપણે એક વિકાસશીલ અર્થતંત્ર છીએ. આપણે આપણાં સંસાધનોની ઉપલબ્ધિ વિશે જાગૃત રહેવું પડશે. સ્વાભાવિક રીતે, જ્યારે તમે ૮૦-૮૫ ટકા આયાતી સંસાધન પર નિર્ભર હો છો, ત્યારે તમને તેલને કારણે ફુગાવાની ચિંતા થશે.

તેથી, એમાં કોઈ આશ્ચર્ય નથી કે અમારી પ્રાથમિકતા ભારતીય ગ્રાહકોનાં હિતોનું રક્ષણ કરવાની છે, જેમાં ખાતરી કરવી કે તેમને વાજબી ભાવે અને વિશ્વસનીય અને સુરક્ષિત પુરવઠા દ્વારા પૂરતી ઊર્જા મળે. ઊર્જા પરની અમારી આયાત નીતિ સંપૂર્ણપણે આ ઉદ્દેશો દ્વારા સંચાલિત છે. તાજેતરનાં વર્ષોમાં, વૈશ્વિક અર્થતંત્રે નોંધપાત્ર અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડ્યો છે. અમે આ માટે કોઈ એક સ્રોત પર નિર્ભર નથી અને ન તો અમે બનવા માંગીએ છીએ. બજારની સ્થિતિના આધારે, સમયાંતરે સ્રોતોનું મિશ્રણ બદલાય તે સ્વાભાવિક છે.

અમારો અભિગમ પુરવઠાના બહુવિધ સ્રોતો જાળવવાનો અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે જરૂરિયાત મુજબ તેમને વૈવિધ્યીકરણ કરવાનો છે. તેથી, હું કહીશ કે આપણે આ ક્ષેત્રમાં જેટલા વધુ વૈવિધ્યસભર હોઈશું, તેટલા વધુ સુરક્ષિત હોઈશું. જ્યાં સુધી ઊર્જાના વાસ્તવિક સ્રોતનો સંબંધ છે. તમે જાણો છો કે વાસ્તવિક સ્રોત તેલ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે અને તેઓ બજારની પરિસ્થિતિઓના આધારે નિર્ણયો લે છે.’’આ રીતે વિદેશ સચિવે તેલની આયાત બાબતમાં નિર્ણય લેવાની જવાબદારી તેલ કંપનીઓ પર ઢોળી હતી.

બીજી તરફ, ૩ ફેબ્રુઆરીના રોજ, ભારતની સમાચાર એજન્સી પીટીઆઈએ રશિયન મીડિયાને ટાંકીને રશિયન સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવનું નિવેદન પ્રકાશિત કર્યું હતું. પોતાના નિવેદનમાં પેસ્કોવે કહ્યું હતું કે રશિયા પાસેથી તેલની ખરીદી રોકવા અંગે ભારતને કોઈ વાતચીત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં, પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દા પર ભારતના મૌન કે મૂંઝવણનો અર્થ શું છે? ભારત કોઈ સ્પષ્ટ જવાબ કેમ નથી આપી રહ્યું? ભારત રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદવાનું ચાલુ રાખશે કે નહીં? એ બાબતમાં રશિયાની સરકારને પણ ભારત સરકાર દ્વારા હજુ સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી. કદાચ ભારતને ડર છે કે આ નિર્ણયથી રશિયાની ભારત સાથેની દોસ્તીમાં તિરાડ પડી જશે.

અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના કટારલેખક સદાનંદ ધુમે કહે છે કે ભારત સરકારે આ મામલે નબળા કે મૂંઝાયેલા દેખાવાની જરાય જરૂર નથી. તેમનું કહેવું છે કે સરકારે ખુલ્લેઆમ અને દૃઢતાથી સ્વીકારવું જોઈએ કે હા, અમે અમેરિકાના ભારે ટેરિફને દૂર કરવા માટે રશિયન તેલની ખરીદી ઘટાડવા સંમત થયા છીએ. આ નિર્ણય સમજદારીભર્યો છે, કારણ કે ભારત પાસે તેલ ખરીદવા માટે અન્ય વિકલ્પો છે; પરંતુ જો અમેરિકા જેવાં મોટાં બજારો આપણા પર ભારે ટેરિફ લાદવાનું ચાલુ રાખશે, તો ભારતમાં રોકાણ આવશે નહીં અને ભારત નિકાસના સંદર્ભમાં સ્પર્ધાત્મક બની શકશે નહીં. સદાનંદ ધુમે ભારત-અમેરિકા વેપાર કરારને એક મોટી રાજદ્વારી અને આર્થિક સિદ્ધિ ગણાવે છે અને કહે છે કે ડાબેરી લેખકોને સારું લાગે તે માટે અથવા તેમના સંતોષ માટે અર્થતંત્રને નુકસાન પહોંચાડવું એ કોઈ પણ જવાબદાર સરકાર માટે યોગ્ય ન હોઈ શકે.

૬ ફેબ્રુઆરીના રોજ વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડરની કલમ ૪ માં સ્પષ્ટપણે જણાવાયું છે કે અમેરિકાના વાણિજ્ય સચિવ, વિદેશ પ્રધાન, નાણાં પ્રધાન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને, ભારત રશિયા પાસેથી તેલની આયાત ફરી શરૂ કરી રહ્યું છે કે કેમ તેનું નિરીક્ષણ કરશે. જો વાણિજ્ય સચિવ નક્કી કરે કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ફરી શરૂ કર્યું છે, તો રાજ્ય સચિવ રાષ્ટ્રપતિને ભલામણ કરશે કે ભારત સામે શું પગલાં લેવાં જોઈએ. આમાં ભારતમાંથી આવતા માલ પર વધારાની ૨૫ ટકા ટેરિફ ફરીથી લાદવાનો સમાવેશ થશે.

ભારત માટે એપ્રિલ સુધીમાં રશિયન તેલની આયાત સંપૂર્ણપણે બંધ કરવી મુશ્કેલ બનશે. ભારતના રશિયા સાથે ઘણા કરાર છે જે સમય પહેલાં સમાપ્ત કરી શકાતા નથી. બીજું, એક મોટી ભારતીય પેટ્રોલિયમ કંપની નાયરા એનર્જી રશિયન કંપની રોઝનેફ્ટ દ્વારા તેલની આયાત કરે છે. તેની પાસે અન્ય કોઈ સ્રોત નથી. તેથી, ભારત માટે રશિયન તેલ આયાતને તાત્કાલિક સંપૂર્ણપણે દૂર કરવી શક્ય બનશે નહીં. બીજી તરફ, અમેરિકાના આદેશ અંગે વિપક્ષી નેતાઓની દલીલ છે કે વેપાર કરારના નામે અમેરિકા તરફથી આવી શરતો લાદવી એ ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની વિરુદ્ધ છે. તે ભવિષ્યમાં અન્ય દેશો સાથે ભારતના સંબંધો પર પણ દબાણ લાવી શકે છે.

દિલ્હી સ્થિત થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) ના વડા અજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેની તેલ ખરીદી સતત ઘટાડી રહ્યું છે. સત્તાવાર વેપાર ડેટા દર્શાવે છે કે ઓક્ટોબર ૨૦૨૫ માં રશિયાથી કુલ આયાત વાર્ષિક ધોરણે ૨૭.૭ ટકા ઘટી હતી, જે ઓક્ટોબર ૨૦૨૪ માં ૬.૭ અબજ ડોલરથી ઘટીને ઓક્ટોબર ૨૦૨૫ માં ૪.૮ અબજ ડોલર થઈ ગઈ હતી. ભારતની નીતિ ધીમે ધીમે આયાત ઘટાડવાની જણાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top