Jetpur pavi

જેતપુરપાવી: પોક્સો કેસમાં માસુમ પર દુષ્કૃત્ય કરનાર નરાધમને 20 વર્ષની સખત કેદ અને ₹15,000 દંડ

જેતપુરપાવી:

જેતપુરપાવી તાલુકામાં માસુમ બાળકી સાથે દુષ્કૃત્યના ગંભીર કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી સામે કડક વલણ અપનાવી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત જેલની સજા સાથે ₹15,000 રૂપિયાનું દંડ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, તા. 22/05/2023ના રોજ જેતપુરપાવી તાલુકાની એક માસુમ બાળકી સાથે તેના જ ગામના આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી તેને કાયદેસરના વાલીપણામાંથી ભગાવી લઈ ગયો હતો. આ ઘટનાને પગલે ભોગ બનનારના પિતાએ જેતપુરપાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભોગ બનનાર મળી આવતા તેની તબીબી તપાસ કરાવવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન ભોગ બનનારે આરોપીએ તેની ઇચ્છા વિરુદ્ધ બળાત્કાર કર્યો હોવાની હકીકત સામે આવી હતી. જેના આધારે પોલીસે પોક્સો એક્ટ તેમજ બળાત્કારની સંબંધિત કલમો હેઠળ આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
કેસની વિગતવાર સુનાવણી બાદ સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ અને ₹15,000 દંડની સજા ફટકારી છે. આ ચુકાદો માસુમો સામે થતા ગુનાઓમાં કાયદાની કડકાઈ દર્શાવતો મહત્વપૂર્ણ દાખલો માનવામાં આવી રહ્યો છે.

પ્રતિનિધિ : આરીફ ખત્રી

Most Popular

To Top