તંત્રની ઘોર નિદ્રા: 6 વર્ષે બ્રિજ બન્યો, પણ 2 વર્ષથી લાઈટ નાંખવાનું મુહૂર્ત આવતું નથી!
રજૂઆતો કચરાપેટીમાં: દોઢ વર્ષથી સ્થાનિકોની અરજીઓ છતાં અધિકારીઓ અને નેતાઓ મૌન; ફક્ત ખિસ્સા ભરાયાના આક્ષેપો


વડોદરાના બાજવા ગામ પાસે કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલો બ્રિજ હાલ તંત્રની ઉદાસીનતાનો નમૂનો બની રહ્યો છે. આશરે 62 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજ પર છેલ્લા બે વર્ષથી સ્ટ્રીટ લાઈટોનો અભાવ હોવાથી રાત્રિના સમયે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંધારાને કારણે અહીં અકસ્માતોનો સિલસિલો પણ યથાવત છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બાજવા ગામના આ બ્રિજને બનાવતા અંદાજે 6 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. બ્રિજ કાર્યરત થયાને પણ હવે બે વર્ષ વીતી ગયા છે, પરંતુ આજદિન સુધી સમગ્ર બ્રિજ પર લાઈટની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. દરરોજ હજારો વાહનચાલકો આ માર્ગ પરથી પસાર થાય છે, પરંતુ રાત્રિના સમયે ઘોર અંધારપટ હોવાથી જીવના જોખમે મુસાફરી કરવી પડે છે.
સ્થાનિકો દ્વારા છેલ્લા દોઢ વર્ષથી આ બાબતે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં અધિકારીઓ કે નેતાઓ દ્વારા આ તરફ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે બ્રિજ બનાવવામાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ ફક્ત પોતાના ખિસ્સા ભર્યા છે, પરંતુ જનતાની પાયાની જરૂરિયાત એવી લાઈટની સુવિધા પુરી પાડવામાં નિષ્ફળ રહ્યા છે.
બ્રિજ પર લાઈટ ન હોવાના કારણે રાત્રિ દરમિયાન વાહનો એકબીજા સાથે અથડાવવાના કે અન્ય ગંભીર અકસ્માતો થવાની ભીતિ સેવાઈ રહી છે. વિકાસની મોટી વાતો વચ્ચે ‘અંધારામાં સંતાયેલા’ આ વિકાસને જોઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે આ બ્રિજ પર લાઈટો લગાડવામાં આવે.