Comments

બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની પૂર્વ શરતો

નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે. શહેરોમાં ખાનગી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભીડ જામી છે. દિનપ્રતિદિન અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જ જાય છે. 1991માં ગુજરાતની જાણીતી કોમર્સ કોલેજમાં ચાર વર્ગ ગુજરાતી માધ્યમના અને એક વર્ગ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી માટે હતો.આજે ત્યાં ચાર વર્ગ અંગ્રેજી માધ્યમના અને ગુજરાતી માધ્યમના એક વર્ગ માટે વિદ્યાર્થી મળતાં નથી! મતલબ કે હવે તો અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધી વિદ્યાર્થીઓની ભીડ છે. માત્ર મોટાં શહેરો જ નહીં, નાનાં નાનાં ગામડાંમાં, નગરમાં ‘ઈન્ટરનેશનલ’નાં લટકણિયાં સાથે શાળાઓ ચાલે છે.

ગુજરાતમાં વાર-તહેવારે થોડાંક વકતાઓ,થોડાંક સાહિત્યકારો, શિક્ષણનું ચિંતન કરનારા ‘બાળકને માતૃભાષામાં ભણાવવું જોઈએ’ તે વિષય પર પ્રવચન આપે છે. આવા પ્રવચનને કારણે એકાદ યુવાન દંપતીએ પોતાના બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવ્યો હોય તેવો કિસ્સો નોંધાયો નથી. સમાજમાં સતત ચર્ચા થયા કરે છે કે માતૃભાષામાં જ શિક્ષણ  શ્રેષ્ઠ છે. પણ સમાજનો એક મોટો વર્ગ જયારે માનસિક દબાણ અને બજાર પરિબળોથી પ્રેરાઈને પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવતો હોય ત્યારે માતૃભાષાના શિક્ષણની આદર્શ વાતો કરતા. જો બાળકને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવું હોય તો શું કાળજી રાખવી તેની ચર્ચા પણ થવી જોઈએ.

મા-બાપે પણ કેવી જવાબદારી નિભાવવી પડે તેની વાત થવી જોઈએ કે માત્ર શાળામાં પ્રવેશ અપાવી દેવાથી તમારી જવાબદારી પૂરી થતી નથી. બાળકને ‘ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ’માં ભણાવવા માટે તમારે કેટલીક પૂર્વ શરતો પાળવી પડશે તો જ બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકવું લેખે લાગશે. જે વાલી પોતાના પાલ્યને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે તેમણે કઇ બાબતો ધ્યાનમાં રાખવાની છે? કઇ પૂર્વ શરતો માટે તૈયાર થવાનું છે? તો, સૌ પ્રથમ શરત એ છે કે જે ‘ઉજ્જવળ ભવિષ્યની’ ચિંતા માટે તમે બાળકને ઇંગ્લીશ મિડિયમ સ્કૂલમાં ભણાવો છો તે સ્કૂલ ખરેખર ‘ઇંગ્લીશ મિડિયમ છે?’ તે તપાસો.

મતલબ કે ત્યાં શિક્ષકો બાળકને અંગ્રેજીમાં ભણાવે છે? ત્યાં સૂચનાઓ અંગ્રેજીમાં અપાય છે. ‘અંગ્રેજી ભણાવવું’ અને અંગ્રેજીમાં ભણાવવું આ બે અલગ બાબત છે. અમારો પ્રત્યક્ષ અનુભવ છે કે બિલાડીના ટોપની જેમ ફૂટી નિકળેલી અનેક ઇંગ્લીશ મિડિયમ સ્કૂલોમાં કોલેજીયન યુવતીઓ શિક્ષિકાઓ છે. જે બાળકને સિકસમેં સે ટુ કાટો જેવી સૂચનાઓ હિન્દીમાં આપે છે! મતલબ કે સ્કૂલો હિન્દી મિડિયમ છે! જો અંગ્રેજી માધ્યમમાં દાખલ થયેલું તમારું બાળક ઘરે આવીને હિન્દી બોલવા લાગે તો સમજ્જો કે તમારું બાળક ‘ઇંગ્લીશ મિડિયમ’માં ભણાવવામાં આવતું નથી! ગઇ ભેંસ પાની મેં! પૈસા પડી ગયા!

બીજી અગત્યની વાત જે મા-બાપે સમજવાની છે તે એ છે કે બાળક જે સાંભળે છે તે બોલે છે! આપણે જેને માતૃભાષા કહીએ છીએ તે ખરેખર માત્ર માતાની ભાષા નથી. આખા પરિવારની ભાષા છે. આખા પર્યાવરણની ભાષા છે! બાળકના કાનમાં જે શબ્દો પડે છે તે પરિવારની બોલચાલથી પડે છે. શાકવાળો જે બોલે છે, દૂધવાળો બોલે છે, પડોશી બોલે છે તે બાળક સાંભળે છે. હવે જો બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે છે તો મા-બાપે, પરિવારે આયોજન પૂર્વક બાળક સાથે રોજ થોડો સમય અંગ્રેજીમાં વાત કરવી પડશે! ઘર વપરાશ અને રોજિંદા કામકાજમાં જે શબ્દો વપરાય છે. વાકયો બોલાય છે. તે અંગ્રેજીમાં બોલવાં પડશે! બાળક સાથે ઘરમાં ટૂંકાં અંગ્રેજી વાકયોનો સંવાદ કરતાં પરિવાર પણ શીખવું પડશે.

આપણે દેખાદેખી અને ઉત્સાહમાં બાળકને અંગ્રેજી માધ્યમમાં દાખલ તો કરાવી દઇએ છીએ પણ માત્ર સ્કૂલમાં થોડાં વાકયો કાને પડવાથી બાળક અંગ્રેજી માધ્યમમાં પારંગત નહીં થાય. તેને બાળવાર્તાઓ, કવિતાઓ, ગીતો, રમતો બધું જ અંગ્રેજીમાં આપવું પડશે. આપવું જોઇએ અને માટે જ આપણા શિક્ષણજગતમાં ટયુશન અનિવાર્ય દૂષણ થઇ ગયું છે. વર્ગખંડમાં બધાં બાળકો પર શિક્ષક સરખું ધ્યાન આપી શકતાં નથી અને ગૃહકાર્યમાં પરિવાર ધ્યાન આપી શકતો નથી. માટે ખાનગી ટયુશન રાખવું જ પડે છે.

બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવતાં પરિવારો એક ત્રીજી અગત્યની વાત સમજે કે અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકની ખરી તકલીફો આઠમા ધોરણથી શરૂ થાય છે. પહેલાં પાંચ ધોરણ સુધી તે જે ઊંચાં પરિણામો લાવે છે તેનાથી રાજી થઇ જતાં નહીં. ખાનગી પ્રાથમિક શાળાઓમાં બધાં જ બાળકોને 80 ટકાથી વધારે જ આવે છે. આ જ તો એક છેતરપિંડી છે.જેમ જુગાર, લોટરી ચલાવનારા નવા ગ્રાહકને શરૂઆતમાં જીતાડે છે તેમ આ શાળાઓ સરળ પરીક્ષા પદ્ધતિ અને ગોખણપટ્ટીથી તમારા બાળકને ઊંચા ટકાએ પાસ કરી દે છે.

અંગ્રેજી માધ્યમની ખરી કસોટી જેમ જેમ બાળક માધ્યમિક શિક્ષણમાં આગળ વધે તેમ તેમ વધે છે. કારણ કે પછી ગણિત અને વિજ્ઞાન અઘરાં થતાં જાય છે. તેમાં સિદ્ધાંતો શીખવાના શરૂ થાય છે અને મોટા ભાગનાં મા-બાપને ત્યારે જ ખબર પડે છે કે અંગ્રેજી માધ્યમ એટલે ગણિત, વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર અંગ્રેજીમાં ભણવું.અંગ્રેજી ભાષા શીખવી અને ગણિત-વિજ્ઞાન-સમાજ જેવા વિષયો અંગ્રેજીમાં શીખવા આ બે બાબત જ ધરાર જુદી છે તે વાત ગુજરાતનાં કરોડો યુવાન દંપતી સમજતાં નથી અને માટે જ બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની મહત્ત્વાકાંક્ષા પાળે છે.

ભલે પાળે! આપણે કોઇ આદર્શ કે માતૃભાષાનાં ભાષણો દ્વારા તેમને સમજાવવાં નથી પણ જો બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું હશે તો તમારે પણ બાળક સાથે અંગ્રેજીમાં બોલવું પડશે. તેની શાળામાં તેની સાથે અંગ્રેજીમાં જ વાત થાય તે ધ્યાન રાખવું પડશે. તેને અંગ્રેજી પુસ્તકો વાંચતાં કરવું પડશે. તેને અંગ્રેજી રાયમો, અંગ્રેજી સમાચાર પત્રો, અંગ્રેજી ન્યુઝ ચેનલો જોતાં કરવું પડશે. આમ તો બાળકનો ઉછેર પોતે જ જવાબદારીવાળું અને અઘરું કામ છે. એમાંય તે અંગ્રેજી માધ્યમમાં ઉછરે તે તો ખૂબ જ અઘરું, વિશેષ માવજત માંગનારું કામ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top