ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે અને નૂતન શૈક્ષણિક વર્ષ 2025 – 2026નાં પ્રારંભનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પુસ્તકો, યુનિફોર્મz સ્કૂલબેગ, સ્ટેશનરી વગેરેની ખરીદી માટે બજારમાં ઉમટી પડ્યા છે. ઉનાળુ વેકેશનની ભરપૂર મજા માણ્યા બાદ વિદ્યાર્થીઓથી શાળાઓ ફરીથી જીવંત બની જશે. અલબત્ત વેકેશનનાં માહોલમાંથી બહાર આવતાં બાળકોને થોડો સમય પણ લાગશે. આજકાલ પોતાના સંતાનના અભ્યાસ માટે વાલીઓ ખૂબ જ ચિંતા સાથે મૂંઝવણ પણ અનુભવે છે. મા-બાપે પોતાના સંતાનને શાળામાં મૂલ્યલક્ષી શિક્ષણ આપવામાં આવે છે કે કેમ તે બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પોતાનું સંતાન અભ્યાસની સાથે સાથે આજની ગળાકાપ સ્પર્ધાના સમયમાં વેલ્યુ એડેડ કોર્સિસ કરે તે બાબતે પણ વાલીઓએ ઘટતું કરવું જોઈએ. વિદ્યાર્થીઓને બાળપણથી જ યોગ્ય શિક્ષણ મળે તો તે આગળ જતા દેશનો સારો નાગરિક બની શકે છે.
વિદ્યાર્થી જીવન દરમિયાન નિષ્ઠા , પ્રમાણિકતા અન્યને આદર, સમયપાલન, આત્મવિશ્વાસ વગેરે ગુણોનું વિદ્યાર્થીઓમાં સિંચન થાય તે અતિ આવશ્યક છે. ગુજરાતમાં અંદાજે 54000થી વધુ શાળાઓના અંદાજે 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓને નુતન શૈક્ષણિક વર્ષ 2025 – 26 માટે હાર્દિક શુભકામના પાઠવું છું. શિક્ષક મિત્રો પણ વેકેશનનો સદુપયોગ કરીને નવી શિક્ષણ નીતિ 2020 અનુરૂપ વિદ્યાર્થીઓને નવું નવું પીરસવા માટે સજ્જ થઈ ગયા હશે એવી અપેક્ષા અસ્થાને નથી. આચાર્ય મિત્રો અને શિક્ષકોને પણ નવા શૈક્ષણિક વર્ષની હૃદયપૂર્વક શુભેચ્છા
નવસારી – ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.