SURAT

સુરતઃ મહિલાના કપડાં પહેરી ચોર પગલે આવેલા યુવકે એપાર્ટમેન્ટ નીચે પાર્ક વાહનો સળગાવી માર્યા

શહેરના ગોડાદરા વિસ્તારમાં વિચિત્ર ઘટના બની છે. અહીં આવેલા અંકુર એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલા વાહનો અજાણ્યાએ સળગાવી માર્યા છે. સીસીટીવી ચેક કરતા કોઈ યુવક મહિલાનો વેશ ધારણ કરી આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલ અંકુર એપાર્ટમેન્ટમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. મોડી રાત્રે અહીં એક અજાણ્યા યુવકે મહિલાના વસ્ત્રો ધારણ કરી બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરેલી અનેક દોઢથી બે ચાકી વાહનોને આગ લગાવી દીધી હતી. ઘટનાની સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર રાત્રે અચાનક આગ લાગવાની ઘટના જોઇને લોકોએ દોડી જઈ આગ ઓલવવાના પ્રયાસ કર્યા હતા. સ્થાનિક રહીશોએ ફાયરબ્રિગેડ અને પોલીસને પણ આગની ઘટના અંગે જાણ કરી હતી. થોડી જ વારમાં આગ વકરી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

સીસીટીવી ફૂટેજના આધારે એક યુવક મહિલાની જેમ સાડી પહેરીને બિલ્ડિંગના પાર્કિંગમાં પ્રવેશતા અને આગ લગાવતા જોવા મળ્યો છે. પોલીસે ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની તાત્કાલિક માહિતી આપવામાં આવ્યા છતાં રહીશોના દાવા અનુસાર પોલીસ તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે અને તેમણે માંગ ઉઠાવી છે કે પોલીસે આરોપીની ઝડપથી ધરપકડ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ.

સ્થાનિક રહીશ વિનોદભાઇ પટેલે જણાવ્યું કે, આ અમારી સુરક્ષાનો સવાલ છે. જો આરોપીને ઝડપથી પકડવામાં નહીં આવે તો આવું ફરીથી બનવાની શક્યતા છે. બાળકો અને મહિલાઓ હવે સુરક્ષિત મહેસૂસ કરતી નથી. આ લખાય તે સમય સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સમગ્ર વિસ્તારના લોકો હવે તંત્ર પાસેથી ઝડપથી પગલાં લેવાની અપેક્ષા રાખી રહ્યા છે.

Most Popular

To Top