આજે બપોરે શહેરના રામપુરા વિસ્તારમાં આવેલી ઓઈલ કંપનીના કર્મચારીઓને ચપ્પુના ઘા ઝીંકીને બાઇક પર આવેલો યુવાન 25 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો.
ઘટના અંગે મળતી માહિતી મુજબ શહેરના રાજાવાડી રામપુરા ખાતે સુપ્રિમ ઓઈલની કંપનીના બે કર્મચારીઓને લૂંટી લેવાયા હતા. બપોરે આશરે પાંચેક વાગ્યાના સુમારે કંપનીના કર્મચારી હમીદ અને અમીન બાઈક ઉપર 25 લાખ રૂપિયાનું પેમેન્ટ લઈને નીકળ્યા હતાં.
25 લાખમાંથી કેટલાક રૂપિયા પેમેન્ટ તરીકે ચૂકવી બાકીના આંગડિયા પેઢીમાં જમા કરાવવાનું હતું. દરમિયાન રામપુરા પોલીસ લાઈનની નજીક બંને બાઈક પર પસાર થતા હતા ત્યારે બાઈક ઉપર આવેલા એક અજાણ્યો યુવકે પહેલા બંને યુવકોની બાઈક નજીક જઈને પછી બાઈક ચલાવી રહેલા હમીદને પેટમાં ચપ્પુ હુલાવી દીધું હતું.
જેથી બાઈક પરથી નીચે પડી જતા પાછળ બેસેલો હમીદ હેબતાઈ ગયો હતો. અને અજાણ્યો યુવક હમીદ પાસે રહેલી કાળી બેગ લઈને બાઈક પર બેસી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે હમીદે તાત્કાલિક તેમના મેનેજર અસલમભાઈને જાણ કરી અને પોલીસને જાણ કરી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધારે તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
રામપુરા પોલીસ લાઈનની નજીક બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં બાઈક ઉપર માસ્ક પહેરીને આવેલો અજાણ્યો યુવક ચપ્પુ મારી બેગ ખેંચી લઈ જતો નજરે પડે છે. પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી અજાણ્યો યુવક કઈ દિશામાં ગયો તેના આધારે વધારે તપાસ હાથ ધરી છે.
ચપ્પુ મારી લુંટની ઘટના લોકો જોતા રહ્યા
બપોરે પાંચ વાગ્યાના અરસામાં બનેલી આ ઘટના રાહદારીઓ ચૂપચાપ ઉભા રહીને તમાશો જોતા રહ્યા હતા. અજાણ્યો યુવક બાઈક ચાલકને ચપ્પુ મારી પાછળ બેસેલા કર્મચારી પાસેથી બેગ ખેંસી ચાલતો જઈ તેની બાઈક પર બેસી જાય છે. ત્યાં સુધી રાહદારીઓ આ દ્રશ્યો આંખે જોઈ રહ્યા હતા પરંતુ કોઈ પણ વ્યક્તિએ આ ઘટનાને રોકવા હિંમત દાખવી ન હતી.