વડોદરા: ભાડુઆતે મકાનનું ભાડું ન આપતા મકાન માલિકે ઓરડીને તાળું માર્યું હોવાના બનાવમાં ભાડુઆત સહીત ચાર શખ્સોએ હુમલો કર્યો હતો.જેમા બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. તેમજ હુમલાવરોએ બે બાઈકને આગચાંપી ફરાર થઈ ગયા હતા.જે બનાવમાં ચાર શખ્સો વિરુદ્ધ માંજલપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
શહેરના કલાલી ફાટક પાસે રહેતા રવિન્દ્ર કનોજીયાએ પોતાના મકાનના ધાબે બાંધેલ ઓરડી ભાડેથી આપી હતી. છેલ્લા છ માસથી રહેતા ભાડુઆત સર્વેશ ઉપાધ્યાયે ભાડું આપ્યું ન હોવાથી મકાન માલિક રવિન્દ્ર કનોજીયાએ ઓરડીને તાળું માર્યું હતું. રાત્રિના સમયે સર્વેસ ઉપાધ્યાયે દરવાજો ખખડાવતા રવિન્દ્ર કનોજીયાની પત્નીએ દરવાજો ખોલ્યો હતો.
અજાણ્યા શખ્સે ચાવી આપી દો તેવું કહેતા કનોજીયાની પત્નીએ ચાવી આપવાના બદલે પતિને જગાડ્યા હતા. આ સમયે એકાએક દરવાજા પાસે આવી પહોંચેલા રવિન્દ્રને જોતાં જ સર્વેશ ઉપાધ્યાયે લાકડી વડે હુમલો કરતાં રવિન્દ્રભાઈ કનોજીયાને ઈજા પહોંચી હતી.
તે વખતે સામા પક્ષે હુમલો થતાં સર્વેશ ઉપાધ્યાયને પણ ઇજા થઇ હતી. તદ ઉપરાંત ઘર આંગણે પાર્ક કરેલી બે બાઇકોને આગ ચાંપી હુમલાવરો ફરાર થઈ ગયા હતા.