SURAT

પાલ, અડાજણ, વેસુના ટી-કેફે પર મોડી રાત્રે જશો નહીં, પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ બાદ લોકોને આપી સલાહ

સુરત: વેસુ, પાલ, અડાજણના પોશ વિસ્તારમાં મોડી રાત સુધી ધમધમતાં ટી-કેફે પર બુધવારની રાત્રિએ સુરત એસઓજી પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કેફેમાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. આ સાથે જ મોડી રાત સુધી કેફે પર બેસી રહેતા સારા ઘરના લોકો, યુવાનોને સમજાવીને ઘરે મોકલ્યા હતા.

છેલ્લા કેટલાંક વર્ષોમાં સુરત શહેરમાં ડ્રગ્સનો વેપલો ખૂબ વધ્યો છે. યુવાનો આ નશાની જાળમાં ફસાઈ રહ્યાં છે ત્યારે પોલીસે નો ડ્રગ્સ ઈન ધ સિટી અભિયાન ચલાવી નશાના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. હવે એસઓજી અને પોલીસ ક્રાઈમ બ્રાન્ચ પણ વિવિધ ટી સ્ટોલ, કેફે પર સરપ્રાઈઝ ચેકિંગ કરી રહી છે.

ખાસ કરીને રાત્રી દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા આવી જગ્યા ઉપર ગેર પ્રવૃત્તિઓ કરતા હોય છે. નશાની હાલતમાં તેઓ મોટી ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે. જેથી તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પોલીસ અધિકારીએ કહ્યું કે, આ અભિયાનમાં બે પીઆઇ, આઠ પીએસઆઇ, એસઓજી અને ડીસીબીના આશરે 80 પોલીસ કર્મીએ કુલ 38 જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું હતું. અમને માહિતી હતી કે, અહીં રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે, પરંતુ ચેકિંગ સમયે કંઈ મળી આવ્યું નથી. અમારી સતત સર્ચની કાર્યવાહી ચાલુ રહેશે.

નોંધનીય છે કે, વેસુ, પાલ, અડાજણ વિસ્તારમાં અડધી રાત્રિ સુધી ટી-કેફે ધમધમતા હોય છે. અહીં સારા ઘરના લોકો ચા-નાસ્તો કરવા આવતા હોય છે, પરંતુ સારા લોકોની વચ્ચે ક્યારેક કેટલાંક અસામાજિક તત્વો ઘુસી જતા હોય છે, અને ગુનાહિત ઘટનાને અંજામ આપતા હોય છે. આવા ઠેકાણા પર ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોના વેચાણનો પણ ભય રહેલો હોય છે, તેથી પોલીસે આવા કેફે પર સરપ્રાઈઝ ચેકિંગનું અભિયાન હાથ ધર્યું છે. આ સાથે જ લોકોને રાત્રિના 11 વાગ્યા બાદ કેફે પર ન જવા અપીલ કરી છે.

Most Popular

To Top