Editorial

પાકિસ્તાનથી પીઓકે સચવાતુ નથી અને કાશ્મીર કબજે કરવાની વાત કરે છે

વર્ષો પહેલા ભારતમાં એક ટીવી સિરિયલ આવી હતી જેનું નામ હતું ‘મુંગેરી લાલ કે હસીન સપને’ આ સિરિયલ ભારતમાં ખૂબ જ લોકપ્રિય થઇ હતી કારણ કે, તેના મુખ્ય પાત્રનું નામ મુંગેરીલાલ હતું અને તે હંમેશા જુદા જુદા સપનામાં જ રાચતા રહેતા હતાં. આ સિરિયલ જેણે પણ જોઇ હશે તે ચોક્કસપણે માનતા હશે કે પાકિસ્તાનની હાલત મુંગેરીલાલ કે હસીન સપને જેવી જ છે. કારણ કે, પાકિસ્તાનથી તેનું અધિકૃત કાશ્મીર તો સચવાતું નથી અને ભારતનું કાશ્મીર પોતાનું હોવાનો દાવો કરીને તેને હડપ કરવાના સપના જોઇ રહ્યું છે.

પાકિસ્તાને સમજી લેવું જોઇએ કે જેમ દરેક સપના સાકાર થતાં નથી કેટલાંક થઇ જાય છે પરંતુ ભારતના કાશ્મીર પરનો તેનો દાવો માત્ર સપનું જ રહી જશે. પાકિસ્તાન આ સપનું 1947થી જોઇ રહ્યું છે. ભૂત્તોથી લઇને શરીફ સુધીની તમામ સરકાર વાંકી વળી ગઇ પરંતુ તેમનું આ સપનું સાકાર થઇ શક્યું નથી અલબત્ત થવાનું પણ નથી. આ નેતા માત્ર પાકિસ્તાનની જનતાને આ મુદ્દે ગુમરાહ કરી રહી છે. અત્યાર સુધી પાકિસ્તાનમાં અનેક સરકાર કે સરમુખ્તયાર આવ્યા જેમાંથી કેટલાકની હત્યા થઇ ગઇ, કેટલાકને ફાંસી અપાઇ, કેટલાકને જેલ થઇ અને કેટલાક દેશ છોડીને ભાગી ગયા પરંતુ કાશ્મીર જે રીતે ભારતનું અંગ છે તે રીતે જ રહ્યું. હવે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરના લોકો પાકિસ્તાનનો જ વિરોધ કરી રહ્યાં છે.

અલબત આ પ્રદર્શનોમાં ભારતીય રાષ્ટ્ર ધ્વજ ફરકતા જોવા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે જો કે તેને સત્તાવાર સમર્થન મળતું નથી. હવે છેલ્લા બે દિવસની વાત કરીએ તો પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં વધતી મોંઘવારી અને વીજળીના ભાવ સામે સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શનો કરાયું હતું. આ દરમિયાન શનિવારે પોલીસ અને પીઓકેના રાજકીય-ધાર્મિક સંગઠન અવામી એક્શન કમિટી વચ્ચે મારામારી થઈ હતી. જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું, જ્યારે 70 ઘાયલ થયા હતા.

આ ઘટના બાદ અવામી એકશન કમિટિએ સમગ્ર પીઓકેમાં બંધની અપીલ કરી હતી. આ પછી શાળાઓ, ઓફિસો, રેસ્ટોરાં, બજારો અને અન્ય જાહેર સ્થળોને તાળાં લટકતા જોવા મળ્યા. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મદીના માર્કેટમાં ભારે પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો.  એસીસીના કાર્યકરોએ અહીં રેલી કાઢી હતી. પોલીસે મુઝફ્ફરાબાદના માર્ગ પર બેરિકેડ લગાવી દીધા છે.

આ પછી ઇસ્લામગઢ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે આરોપ લગાવ્યો કે પ્રદર્શનકારીઓએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો, જેમાં મીરપુરના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અદનાન કુરેશીને છાતીમાં ગોળી વાગી હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા, બીજી તરફ પ્રદર્શનકારીઓએ પણ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પીઓકે માં વણસી રહેલી સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સોમવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિતિ સુધારવા માટે પ્રસ્તાવો માંગ્યા છે. હિંસા દરમિયાન અનેક સરકારી વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

આ પછી પોલીસે ઘણા પ્રદર્શનકારીઓની ધરપકડ પણ કરી હતી. તણાવને જોતા પીઓકેમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પીઓકે માં સરકારે જાહેર સ્થળોએ ભેગા થવા, રેલીઓ અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂક્યો છે. ભીમ્બેર, બાગ ટાઉન, મીરપુર જેવા ઘણા વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. એસીસીના પ્રવક્તા હાફિઝ હમદાનીએ જણાવ્યું કે રાજ્યમાં થઈ રહેલી હિંસા સાથે તેમનો કોઈ સંબંધ નથી. તેમણે આરોપ લગાવ્યો કે અવામી એકશન કમિટી ને બદનામ કરવા માટે આવા તત્વોને ઈરાદાપૂર્વક પ્રદર્શનો વચ્ચે મોકલવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનના કબજા હેઠળના વડાપ્રધાન ચૌધરી અનવર ઉલ-હકે કહ્યું છે કે, સરકારે હિંસા પર અંકુશ મેળવવા માટે દરેક જરૂરી પગલાં લીધા છે. અમે શાંતિપૂર્ણ મંત્રણા માટે તૈયાર છીએ, આ માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે. જો કે, આને સરકારની નબળાઈ તરીકે સમજવું જોઈએ નહીં. નાણાપ્રધાન અબ્દુલ મજીદ ખાને જણાવ્યું હતું કે, સરકારે પહેલાથી જ એસીસીની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. અમે એક કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા જેમાં લોટ અને વીજળીના ભાવ પરની સબસિડીને 2022ના સ્તરે લાવવા સંમતિ દર્શાવવામાં આવી હતી. પરંતુ AACએ કરારથી ફરી ગઈ છે.

આ દરમિયાન, ઈમરાન ખાનની પાર્ટી PTIના ​​​​​​નેતા ઓમર અયુબ ખાને શાહબાઝ સરકારને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં અસમર્થ ગણાવી કહ્યું છે કે, શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા લોકો સામે હિંસા સ્વીકારવામાં આવશે નહીં. આવી નીતિ પાકિસ્તાન અને લોકશાહી માટે ખતરો છે. PoKમાં ખરાબ પરિસ્થિતિ અંગે, પાકિસ્તાનના માનવ અધિકાર પંચે પોતે સ્વીકાર્યું છે કે ત્યાં માનવ અધિકારોનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગયા મહિને પણ લોકોએ મોંઘવારી સામે વિરોધ દર્શાવ્યો હતો.અનેક જગ્યાએ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાં એક કિલો લોટ 800 પાકિસ્તાની રૂપિયામાં મળે છે. જ્યારે, પહેલા તે રૂ. 230 હતો. ત્યાં એક રોટલીની કિંમત 25 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

Most Popular

To Top