હાલમાં સમગ્ર દુનિયામાં ઇઝરાયલ અને હમાસની જ ચર્ચા ચાલી રહી છે અને જ્યારે જ્યારે ઇઝરાયલની વાત આવે ત્યારે તેની બહાદુરી અને ગુપ્તચર સંસ્થા મોસાદનું નામ અવશ્ય આવે જ. 1947માં જે દેશનું કોઇ અસ્તિત્વ જ નહીં હતું પરંતુ 1948માં ઇઝરાયલની સ્થાપના થયા પછી તેણે કરેલા એક પછી એક પરાક્રમથી દુનિયા સતત અચંબામાં રહેતી આવી છે. દુનિયામાં યુદ્ધનો ઉલ્લેખ થાય ત્યારે 6 ડે વોરનો અવશ્ય ઉલ્લેખ થાય છે કારણ કે, એક નાનકડો દેશ કે જેને નકશા પર માત્ર એક ટપકું જ કહી શકાય તેમ છે પરંતુ તેની તાકાત બેજોડ છે.
1967માં ઇજિપ્ત, સિરિયા, જોર્ડન, ઇરાક અને લેબેનોને એક સાથે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. જો કે, કોઇની કલ્પનામાં પણ નહીં હોય તે રીતે માત્ર છ દિવસમાં જ ઇઝરાયેલે આ તમામ દેશોને હરાવી દીધા હતાં. ઇજિપ્તે ઇઝરાયેલની કનડગત માટે અને તીરાન નામનો એક સાંકડો સમુદ્રી માર્ગ બ્લોક કરી દીધો હતો. આ સમુદ્રી માર્ગ બંધ થતા ઇઝરાયેલને આર્થિક નુકશાન જઈ રહ્યું હતું. ઇઝરાયેલની વારંવાર અપીલ છતાં ઇજિપ્તે આ માર્ગને બંધ રાખવાનું પસંદ કરતા ઇઝરાયેલે 5 જૂન 1967ના રોજ ઇજિપ્તના એર ફિલ્ડ ઉપર ભારે એરસ્ટ્રાઈક કરવાની શરુ કરી હતી. તે સમયે ઇઝરાયેલ પાસે 300 એરક્રાફટ હતા. ઇઝરાયેલે એમ્બુશ અટેક કરીને ઇજિપ્તના લગભગ 950 એરક્રાફ્ટ અને 50 જેટલા રનવેનો ખાત્મો બોલાવી દીધો.
આ સાથે ઇજિપ્તની લગભગ આખી એરફૉર્સ નષ્ટ થઇ ગઇ હતી. આ યુદ્ધે સમગ્ર વિશ્વને વિચારતું કરી દીધું હતું. જે રીતે ભારત કાશ્મીર મુદ્દે સરહદ પાર આતંકવાદનો સામનો કરી રહ્યું છે તેવી જ રીતે ઇઝરાયલ પણ દુશ્મન દેશ અને તેને શરણ આપતા આતંકવાદીઓથી ઘેરાયેલો દેશ છે. ભારતના કનિષ્ક વિમાનનું આતંકવાદી અપહરણ કરી ગયા હતા અને તેને અફઘાનિસ્તાનના કંદહારમાં લઇ ગયા હતા ત્યારે ભારતના નેતાઓ નતમસ્તક થઇને આતંકવાદીઓને છોડવા માટે મજબૂર થઇ ગયા હતાં પરંતુ ઇઝરાયલનું એવું નથી.
27 જૂન 1967માં ઇઝરાયલના તેલઅવીવથી પેરીસ જવા રવાના થયેલા ફ્રાન્સના વિમાનનું ગ્રીસના એથેન્સમાંથી ચઢેલા આતંકવાદીઓએ અપહરણ કરી લીધું હતું. પેલેસ્ટાઇન લિબરેશનના આતંકવાદીઓ મુસાફરો સાથે વિમાનનું અપહરણ કરીને યુગાન્ડા લઇ ગયા હતાં. તે સમયે યુગાન્ડાનો શાસક સરમુખત્યાર ઇદી અમીન હતો અને તે પણ પેલેસ્ટાઇન લિબરેશનના આતંકવાદીઓનો સમર્થક હતો. તે સમયે આતંકવાદીઓએ ઈઝરાયલની જેલોમાં બંધ 40 પેલેસ્ટાઈની આતંકવાદીઓને મુક્ત કરવામાં આવે. આ ઉપરાંત કેન્યા, ફ્રાંસ, સ્વિટ્ઝર્લેન્ડ તથા વેસ્ટ જર્મનીની જેલમાં બંધ પોતાના 13 સાથીને પણ મુક્ત કરવામાં આવે.
કુલ 53 આતંકવાદીને મુક્ત કરવા ઉપરાંત પાંચ મિલિયન ડોલરની પણ આતંકવાદીઓએ માગ કરી હતી. જો કે, ઇઝરાયલે ઓપરેશન થંડરબોલ્ટ શરૂ કર્યુ હતું. રાત્રિના અંધારામાં ઇઝરાયલના કમાન્ડો યુગાન્ડાના એરપોર્ટ પર ઉતર્યા હતા અને યુગાન્ડામાંથી તેમના મુસાફરો સાથેનું વિમાન છોડાવી લાવ્યા હતાં. એટલું જ નહીં યુગાન્ડાના 48 સૈનિકોને ઠાર મારી એરપોર્ટ પર રહેલા યુગાન્ડાના 30 વિમાનનો પણ ખાતમો બોલાવી દીધો હતો. 53 મિનીટ ચાલેલા મોસાદના આ ઓપરેશનમાં ઇઝરાયલના કમાન્ડો જોનાથન નેતન્યાહુનું મોત નીપજ્યું હતું.
હાલમાં ઇઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહુંના તે સગાભાઇ હતાં. દુશ્મનને છોડી દેવો એ ઇઝરાયલની ડિક્સનરીમાં લખ્યું નથી એટલું જ નહીં એક યહુદીના મોત સામે 10ને મારવાનો ઇઝરાયલનો વર્ષો જૂનો નિયમ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે હિટલરની નાઝી સેના યહૂદીઓને ગોળીઓથી વીંધી રહી હતી.એ સમયે એડોલ્ફ આઇકમાન (ઉર્ફે ક્લેમેન્ટ રિકાર્ડો ) હિટલરની આર્મીનો ખાસ વિશ્વાસુ અને સલાહકાર હતો. એડોલ્ફ આઇકમાન ગોળીઓનો બગાડવાને બદલે યહૂદીઓને ગેસ ચેમ્બરમાં ધકેલવાનો આઈડિયા આપ્યો હતો.
જેને અમલમાં મૂક્યા બાદ યહુદીઓના સંહારની સંખ્યા ખૂબ જ વધી ગઈ હતી. જેને સરવાળે માનવ ઈતિહાસના કલંકિત પ્રકરણ હોલોકોસ્ટ જેવી ઘટના બની હતી અને 6 મિલિયન એટલે કે ૬૦ લાખ જેટલા યહૂદીઓ મૃત્યુ પામ્યા હતા. જર્મનીના વળતા પાણી શરૂ થતાં જ એડોલ્ફ આઇકમાન દેશ છોડીને આર્જેન્ટીના ભાગી ગયો હતો. તેણે તેની ઓળખ પણબદલી નાંખી હતી. જો કે 11 મે 196૦ ની સાંજે બ્યુએનોસ એરિસ નામના શહેરમાં રોજની જેમ બસમાંથી ઉતરીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો તે વખતે સેકન્ડોના સમયમાં જ મોસાદના જાસૂસો એ ગેરી બાલ્ડી સ્ટ્રીટમાંથી તેનું અપહરણ કર્યું હતું. તેના પર ઇઝરાયેલમાં ખટલો ચલાવવામાં આવ્યો અને 1 લી જુન ૧૯૬૨ના દિવસે તેને ફાંસી આપવામાં આવી હતી. આમ જે ઇઝરાયલે જે રીતે હાલમાં મીડલ ઇસ્ટનો નકશો બદલવાની વાત કરી રહ્યું છે તે બદલાઇ જ જશે.