સુરત: (Surat) મૂળ આસામની 7 વર્ષની બાળકીને તેના માતા પિતાએ (Father) મદ્રેસામાં અભ્યાસ કરવા સુરત સચિનમાં તેના સંબંધીના ઘરે મુકી હતી. ત્યારે દૂરના સંબંધી (નાના)એ બાળકી સાથે દુષ્કર્મ (Abuse) આચર્યું હોવાની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
- સચિનમાં અભ્યાસાર્થે સંબંધીને ત્યાં રહેતી 7 વર્ષીય બાળા પર 44 વર્ષીય નાનાનો બળાત્કાર
- આસામના પરિવારે દીકરીને સચિનની મદ્રેસામાં અભ્યાસ કરવા સંબંધીને ત્યાં રહેવા મોકલી હતી
- દૂરના સંબંધી નાના બે મહિનાથી રોજ રાત્રે બાળકીને હવસનો શિકાર બનાવતો
- બાળકીએ સોસાયટીની મહિલાઓને વાત કરતાં ભાંડો ફૂટ્યો, પોલીસે નરાધમને દબોચી પાંજરે પૂર્યો
સચિન પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સચિન નવસારી રોડ પાલ્મઝુમેરા ખાતે રહેતા 44 વર્ષીય મોહમદ અનવરહુસૈન મોહમંદ યાસીન શેખે સાત વર્ષની માસુમ બાળકી ઉપર દાનત બગાડી હતી. છેલ્લા બે મહિનાથી મોહમદ અનવર હુસૈન રોજ રાત્રીના સુમારે બાળકીને તેની હવસનો શિકાર બનાવતો હતો. બનાવ અંગે બાળકીએ તેની સોસાયટીમાં રહેતી મહિલાઓને વાત કરતા આખો મામલો બહાર આવ્યો હતો. બાળકીની નાની અને મહિલાઓએ પોલીસમાં જાણ કરતા નરાધમ મોહમદ અનવરહુસૈન યાસીન શેખ સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સચિન પોલીસે આ મામલે બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી ત્રણ સંતાનોનો પિતા: તેના દીકરાને પણ એક નાનો દીકરો છે
સચિન પોલીસે તપાસ કર્યા બાદ આ અંગે મોહમદ અનવર હુસેન સામે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. અને પોલીસે નરાધમ મોહમદ અનવર હુસેનની ધરપકડ કરી છે. આરોપી નરાધમ મોહમદ અનવર હુસેન શેખ લુમ્સના ખાતામાં નોકરી કરે છે. તેના પરિવારમાં ત્રણ છોકરાઓ પૈકી એક છોકરાના લગ્ન થઈ ગયા છે. નરાધમને દીકરાના ઘરે દીકરો હોવા છતાં તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું.
કોલેજમાં અભ્યાસ કરતી યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બિભત્સ ફોટો અને વિડીયો વાયરલ કરાયા
સુરત: અમરોલી વિસ્તારમાં રેહતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીના નામનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અજાણ્યાએ તેમાં બિભત્સ ફોટો અને વિડીયો વાયરલ કરીને યુવતીને બદનામ કરી હતી. અમરોલી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતી શાયર 01 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવતા અજાણ્યાએ અમરોલી ખાતે રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય યુવતીના નામની ફેક આઈડી બનાવી હતી. છેલ્લા 3 મહિનાથી આ આઈડી પરથી અજાણ્યો યુવતીના નામે બિભત્સ ફોટો અને વિડીયો અપલોડ કરતો હતો. અને યુવતીના સંબંધી અને મિત્રોને પણ મોકલતો હતો. જેને કારણે યુવતીની સમાજમાં બદનામી થઈ હતી. આ અંગે યુવતીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.