સુરત: કડોદરામાં 12 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યાના બનાવ હજુ તાજો જ છે ત્યાં રવિવારે રાત્રે બીજી એક ચોંકાવનારી ઘટના બની છે. પલસાણાના મખીગા ગામની 10 વર્ષીય બાળકીના અપહરણ બાદ તેની સાથે દુષ્કર્મ થયું હોવાના બનાવને પગલે પલસાણા પોલીસ દોડતી થઈ ગઈ છે.
- મખીગા ગામમાં 10 વર્ષીય બાળકીનું અપહરણ
- બાળકી સાથે ખેતરમાં દુષ્કર્મ કરાયું હોવાની આશંકા
- કોઈને કશું કહ્યું તો મારી નાંખીશું, બાળકીને લાફો મારી ધમકી આપી
પલસાણાના મખીગા ગામના એક ખેતરમાંથી 10 વર્ષની માસુમ બાળકી રડતી અને ગુપ્તભાગે થી લોહી નીકળતી હાલતમાં મળી આવતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયું છે. એટલું જ નહીં પણ માતા સાથે ઓટલા પર સુતેલી દીકરી ને મોઢું દબાવી બે જણા ઉપાડીને ખેતરમાં લઈ ગયા બાદ લાફા મારી ગળું દબાવી મારી નાખવાની કોશિશ પણ કરી હોવાનું સામે આવ્યું છે.
માસુમ બાળકી એ જણાવ્યું હતું કે મારી સાથે શું થયું એ ખબર નથી પણ કોઈને કહેશે તો મારી નાંખીશ એમ બદમાશોએ કહ્યું હોવાનું નિવેદન આપતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. પલસાણા CHC પરથી સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયેલી બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આંશકા સાથે તપાસ શરૂ કરાઈ છે.
પીડિત બાળકીના પિતરાઈ ભાઈએ કહ્યું હતું કે ઘટના રવિવારની રાતની છે. માતા-દીકરી ઘરના ઓટલે સુતા હતા. અચાનક દીકરી બાજુમાં નહીં હોવાનો અહેસાસ થતા શોધખોળ ચાલુ થઈ હતી. તેવામાં જ બાળકી ઘર નજીકના એક ખેતરમાંથી રડતી હાલતમાં મળી આવી હતી. તેના ગુપ્તભાગેથી લોહી નીકળતું હતું. તાત્કાલિક બાળકીને સારવાર માટે પલસાણા CHC પર લઈ ગયા હતાં જયાંથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
બાળકીએ જણાવ્યું હતું કે બે જણા મોઢું દબાવીને ઉપાડી ગયા હતા. ખેતરમાં લઈ જઈ ગળું દબાવી લાફા માર્યા હતા. ‘કોઈને કહ્યું છે તો મારી નાંખીશું’, એમ કહેતા હતા. હાલ બાળકીની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.
બાળકીના પરિવારજનોએ કહ્યું કે બાળકી હેબતાઈ ગઈ છે. રાત્રે જ પોલીસ ને જાણ કરી દેવામાં આવી હતી. પોલીસ પણ આવી ગઈ છે. પરિવાર આહીરને ત્યાં તબેલામાં કામ કરી ગુજરાન ચલાવી રહ્યો છે. જે ખેતરમાંથી બાળકી મળી આવી એ ખેતર પણ આહીરનું જ છે. પીડિત બાળકીની એક મોટી બહેન છે. બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા સાથે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
માતા અને માસી સાથે બાળકી ઓટલા પર સુતી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના લગભગ 11:30 વાગ્યા ની હતી. પિતાની છત્રછાયા ગુમાવી દેનાર બાળકી માસી અને મામા સાથે ઓટલા પર સૂતી હતી. એટલું જ નહીં પણ માતા સાથે જે ખેતરમાં કામ પર જતી હતી એ જ ખેતરમાં એની સાથે ગંદુ કામ કરાયું હોવાની આશંકા છે. ખેતર અને ઘરે જવાના રસ્તાથી વાકેફ દીકરી ઘરે આવતા જ લોહી લુહાણ હાલતમાં જોઈ પરિવાર ચોંકી ગયો હતો. હાલ તપાસ ચાલી રહી છે.