સુરત : સગરામપુરા ખાતે રહેતા યુવકના તેના સાળાની પત્ની સાથે આડા સંબંધ હોવાના વહેમમાં યુવક પર જીવલેણ હુમલો કરાયો હોવાની ફરિયાદ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
- સાળાવેલી સાથે આડા સંબંધના વહેમમાં યુવક ઉપર જીવલેણ હુમલો
- બે દિવસ પહેલા યુવકને ચપ્પુ લઈને મારવા આવતા તેના પિતા અને ભાઈ છોડાવવા જતા હાથમાં ઇજા થઈ હતી
- પોલીસમાં જાણ નહીં કરતા આજે ફરી યુવકને જોઈને હુમલો કર્યો
સગરામપુરા ખાતે બકરા શેરીમાં રહેતા 44 વર્ષીય અબ્દુલ માઝીદ અબ્દુલ કરીમ પીનાંગવાલા ચૌટાબજારમાં એ.એમ.હોઝીયરી નામની દુકાનમાં કાપડનો વેપાર કરે છે. તેમને અઠવા પોલીસ સ્ટેશનમાં મો.ફૈયાઝ અબ્દુલ કાદર હાફેજી (રહે, બકરાશેરી સગરામપુરા) ની સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે.
દસેક વર્ષ પહેલા તેમના મોટા ભાઈ મો.સાદીક કરીમ પિનાંગવાલાના તેના સગા સાળા મો.ફૈયાઝની પત્ની સાથે આડા સંબંધ હોવાના વહેમ રાખતો હતો. અને જે બાબતે તેમની વચ્ચે ઝઘડો કરતા હતા. ગત 16 તારીખે બપોરે આ મો.ફૈયાઝ તેમના ઘરે હાથમાં ચાકુ લઈને ધસી આવ્યો હતો.
અબ્દુલના પિતાએ શું થયુ બેટા ચાકુ લઈને કેમ ફરે છે તેમ પુછતા ફૈયાઝે ગુસ્સામાં કહાં પર હે સાદીક તેમ પુછતા તેણે રૂમમાં બંધ કરી દેવાયો હતો. બાદમાં અબ્દુલના પિતાએ તેના હાથમાંથી ચાકુ છોડાવવાનો પ્રયાસ કરતા તેમને હાથમાં ચાકુ વાગી ગયું હતું. અને અબ્દુલ છોડાવવા ગયો તો તેને પણ હાથમાં ચાકુ વાગી ગયું હતું.
આ ઝઘડામાં લોકોની ભીડ ભેગી થતા મો.ફૈયાઝ જતો રહ્યો હતો. દરમિયાન ગુરુવારે સવારે ઘરની નીચે આ મો.સાદીકનો અવાજ સંભળાતો હતો. તે નીચે લુહીલુહાણ હાલતમાં પડેલો હતો. તેને જઈને પુછતા આ મો.ફૈયાઝે તેને પીઠમાં અને પેટમાં ચપ્પુ માર્યાનું કહ્યું હતું. જેથી તેની સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવવામાં આવી છે.