Editorial

હાઇવે ઉપર અશોક લેલેન્ડ કંપનીના ભંગારમાં આગ લાગતા અફરાતફરી

વડોદરા: શહેરને જોડતા હાઇવે ઉપર આવેલ દશરથ ગામ નજીક અશોક લેલેન્ડના શો રૂમના સ્ક્રેપ વિસ્તારમાં આજે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

દશરથ ગામ નજીક ભારે વાહનો બનાવતી કંપની અશોક લેલેન્ડનો શો રૂમ આવેલ છે. શો રૂમની બાજુમાં ગાડીઓનો ભંગાર જમા કરવામાં આવે છે. અને ત્યાં સ્ક્રેપ યાર્ડ જેવી જગ્યા બનાવવામાં આવી છે. આજે બપોરના અરસામાં અચાનક આ વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં અગન જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના પગલે એક તબક્કે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. શો રૂમમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. હાઇવેને અડીને આવેલ શો રૂમના ભંગારમાં આગ લાગતા વાહનચાલકોમાં પણ કુતુહલ જોવા મળ્યું હતું. સદ્ નસીબે આ આગમાં કોઈ જાનહાની કે ઈજાઓ નોંધાઈ નથી.

Most Popular

To Top