એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Pariniti Chopra) અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને (MP Raghav Chadhha) સાંસદ સંજીવ અરોરા દ્વારા આપવામાં આવેલી શુભકામના બાદ ચર્ચા જાગી છે કે એક્ટ્રેસ પરિણીતિ અને સાંસદ રાઘવ ટૂંક સમયમાં જ સગાઈ (Engagement) કરી શકે છે. આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ સંજીવ અરોરાએ મંગળવારે સવારે 11 વાગ્યે એક ટ્વીટ કરીને બંનેને સારા ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. સંજીવે ટ્વિટર પર કપલનો એક ફોટો શેર કરીને કપલને અભિનંદન પાઠવ્યાં હતા. જોકે આ મામલે અત્યારસુધી પરિણીતિ અને રાઘવ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હવે જ્યારે આ પોસ્ટ સામે આવી છે ત્યારે ચાહકો કપલની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.
સંજીવ ચોપરાએ કરી આ ટ્વીટ
સાંસદ સંજીવે પરિણીતિ અને રાઘવની ફોટો શેર કરતાં ટ્વીટ કર્યું કે- હું રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે તેઓ પ્રેમ અને આનંદથી એકબીજા સાથે રહે. મારી શુભકામનાઓ તમારી સાથે છે.’
મળતી માહિતી મુજબ રાઘવ અને પરિણીતિ ઈંગ્લેન્ડમાં ભણતાં હતાં ત્યારથી એકબીજાને ઓળખે છે. પરિણીતીએ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. જ્યારે રાઘવે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાઘવ અને પરિણીતિ લાંબા સમયથી રિલેશનશીપમાં છે. કહેવાય છે કે તેમના પરિજનો પણ આ સંબંધ માટે તૈયાર છે. હાલમાં જ તેઓ મુંબઈની એક રેસ્ટોરેન્ટની બહાર સાથે જોવા મળ્યાં હતાં. બંને સાથે એકજ કારમાં ગયા હતા. ત્યારબાદથી બંનેના રિલેશનશિપના સમાચાર ચર્ચામાં આવ્યા છે.
કહેવાય છે કે બંને ટૂંક સમયમાં જ પોતાની સગાઈની જાહેરાત કરી શકે છે. હાલમાં જ 26 માર્ચ રવિવારના રોજ પરિણીતિ ચોપરા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર જોવા મળી હતી. ત્યારબાદથી એવી અટકળો ચાલી રહી છે કે પરિણીતિ અને રાઘવની સગાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.