Madhya Gujarat

પોલીસની દબંગગીરી, યુવકની પાંસળી તોડી નાંખી

નડિયાદ: ખેડા જિલ્લા પોલીસ બેરહમ બનીને યુવકને માર માર્યો હોવાનો ખુલાસો થતા ચકચાર મચી છે. મહુધા પોલીસના 2 જવાનોએ ચોરીના આરોપીના ભળતા નામવાળા યુવકને ઉઠાવી કચ્ચર માર માર્યો છે. એ હદે પોલીસે લાઠી ઉગામી છે કે, યુવકની કમરમાં પાંસળી ભાગી ગઈ છે. એટલુ જ નહીં, પરંતુ થાપાના ભાગે પણ કચ્ચર માર વાગતા યુવક રીબાઈ રહ્યો છે. જોકે, પોલીસે જ પરીવાર પર દબાણ કરી સમાધાન કર્યુ હોવાનું પણ જાણવા મળ્યુ છે.

મહુધા પોલીસના 2 કર્મચારીઓએ ચોરીના ગુનામાં શકમંદ આરોપીના ભળતા નામવાળા યુવાનને ખૂબ ઘાતકી માર માર્યો છે. આ અંગે યુવક અને તેના માતાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં બંને પોતાની આપવીતી જણાવી રહ્યા છે. વીડિયોમાં જે રીતે યુવકના માતા જણાવી રહ્યા છે તે મુજબ, શૈલેષ કનુ નામના ઈસમને બદલે તેમના દિકરા શૈલેષ કાંતિને પોલીસે પકડીને માર માર્યો છે. માતાનું કહેવુ છે કે, આ એકવાર નહીં પણ અગાઉ મળી અત્યાર સુધી 3-3 વાર એક જ પોલીસવાળાએ આ રીતે માર માર્યો છે.

જેમાં આ વખતે તો એટલી હદે પોલીસે લાઠી ઉગામી છે કે, તેમના દિકરાને પાંસળી ભાંગી ગઈ છે. પીડિત યુવક શૈલેષ કાંતિભાઈએ તેમને માર મારનારા 2 પોલીસ કર્મીના નામ ગોપાલભાઈ ગઢવી અને નરેન્દ્રભાઈ રાવળ હોવાનું જણાવ્યુ છે. તો સામે આવેલા વીડિયોમાં યુવકને થાપાના ભાગે ચાઠા પડી ગયા હોય અને લોહી બાઝી ગયુ હોવાનું દેખાઈ રહ્યુ છે. પોલીસે આટલે ન રોકાતા મામલો આગળ વધે અને કોઈ મોટી ગુંચવણ પોલીસ વિભાગ માટે ઉભી થાય તે પહેલા જ યુવકના પરીવારને ધાક-ધમકી આપી દબાણ કરી સમાધાન કરાવી લીધુ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યુ છે. રક્ષક જ ભક્ષક બનતા ઘટનાથી હેબતાઈ ગયેલો પરીવાર ન્યાય લેવા ક્યાં જવુ તેની પણ સમજ ન હોવાથી બેબાકળો બન્યો છે. ત્યારે આ અંગે રેન્જ આઈ.જી. કક્ષાએથી તપાસ કરી જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે યોગ્ય પગલાં લઈ કર્મીઓને કાયદાનું ભાન કરાવાય તે જરૂરી બન્યુ છે.

ફરિયાદ નોંધાઈ એટલે આક્ષેપ કરે છે
એમના વિરૂદ્ધ એમના મમ્મીએ જ ફરિયાદ નોંધાવી છે. આ જે યુવક છે, તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. ફરિયાદ નોંધાઈ એટલે આક્ષેપ કરે છે. 2 દિવસ પહેલા જ તેમણે પોલીસ સ્ટેશનમાં નિવેદન લખાવ્યું છે કે, તેમના મિત્રના કહેવાથી આવું કર્યું હતું. : કે. એચ. ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, મહુધા

યુવકને બેસવાની પણ તકલીફ
મહુધા પોલીસના 2 જવાનોએ યુવાનને થાપાના ભાગે લાઠીનો માર મારતા, યુવકને થાપા પર સોજા આવી ગયા છે. ઉપરાંત લોહી બાઝી ગયુ છે અને ઉભુ રહેવામાં તેમજ બેસવામાં તકલીફ પડી રહી છે. તો પાંસળી ભાગી જતા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓના કારણે બોલવામાં પણ સમસ્યા થઈ રહી છે.

માતાની વેદના
આ સમગ્ર મામલે સામે આવેલા વીડિયોમાં પીડિત યુવકના માતાએ વેદના ઠાલવતા કહ્યુ છે કે, મારા દિકરાને આ એક વાર નહીં, ત્રણ-ત્રણ વાર માર્યો છે. પહેલા સ્કૂલમાં ચોરી મામલે માર્યો હતો, ત્યારે પણ બીજા આરોપી પકડાયા હતા, અત્યારે ભળતા નામના કારણે મારા દિકરાને લઈ જઈ જોઈ પણ ન શકાય તેવો માર્યો છે. જ્યારે આરોપી સિવિલ હોસ્પિટલમાં છે. અમને તો કોઈ જગ્યાએથી સાથ મળતો નથી, અમારે ક્યાં જવુ ખબર પડતી નથીઃ પીડિત માતા
તો આટલો બધો માર જાતે મરાવ્યો હોઈ શકે ખરો ?
યુવકના આક્ષેપો સાથેના વીડિયોમાં યુવકને ગંભીર ઈજાઓ દેખાઈ રહી છે. પોલીસ અધિકારીના કહેવા મુજબ મિત્રોના કહેવાથી યુવકે આવું કર્યું. તો યુવકને જે માર પડ્યો છે અને શરીરે ઇજા થઈ છે એ જાતે કરાવી હોય શકે ખરી.? તે સવાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે સઘન તપાસ થવી જરૂરી છે.

Most Popular

To Top