SURAT

75 વર્ષના વૃદ્ધા સાથે રિલાયન્સની ટિકિટ બુકીંગના ધંધામાં 20 લાખનું રોકાણ કરાવી ઠગાઈ

સુરતઃ શહેરના મોમનાવાડ ખાતે રહેતી વિધવા 75 વર્ષીય વૃદ્ધાને રિલાયન્સની ટિકિટ બુકીંગના ધંધામાં મસમોટો નફો હોવાની લાલચ આપી ત્રણ ગઠિયાઓએ આયોજનબદ્ધ રીતે જાળમાં ફસાવી 20 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. બાદમાં ત્રણેય જણા ગાયબ થઈ જતા ધંધો પણ શરૂ નહીં કરાવતા અઠવા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધાએ ફરિયાદ દાખલ કરાવી છે.

શહેરના મોમનાવાડ ખાતે ઘ.નં. ૮/૯૩૮, સુન્ની હુસેની મદ્રેસાની સામે રહેતી 75 વર્ષીય બુરાનબીબી પીરમહંમદ બાદલાવાલાએ અઠવા પોલીસ સ્ટેશનમાં 20 લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધાએ મોહંમદ હફીઝ યુસુફ શેખ, રશીદ મોહંમદ હફીઝ શેખ (બન્ને રહે. ખીદમતનગર મસ્જીદની સામે, ગુજરાત સ્લમ બોર્ડ ટેકરાની ઉપર, રાંદેર) તથા મૌલાના ઇમરાન ઐયુબ મલીક (રહે.મુ.હથોડા તા.માંગરોળ જી.સુરત તથા ડાયમંડ પ્લાઝા, રેલ્વે સ્ટેશન પાસે, કોસંબા) ની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, વૃદ્ધાને સંતાનમાં ચાર પુત્રી છે અને ચારેયના લગ્ન થઈ જતા સાસરે રહે છે.

વિધવા વૃદ્ધાના પતિનું એક મકાન કોસંબા ખાતે આવેલું હોવાથી અવાર નવાર સાફસફાઈ માટે જાય છે. વૃદ્ધાના ભાઈઓએ તેમની એક વારસાગત મિલકત વેચતા તેમના ભાગના 30 લાખ રૂપિયા આપ્યા હતા. જેથી વૃદ્ધાએ તેમની ચારેય દિકરીઓને પાંચ-પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. જે પૈકી એક દિકરીને મકાન લેવાનું હોવાથી માતાએ આપેલા પાંચ લાખ અને તેની પાસેના ત્રણ લાખ મળી કુલ 8 લાખ મુકવા માટે આપ્યા હતા. એટલે વૃદ્ધા પાસે 18 લાખ રૂપિયા પડેલા હતા. દરમિયાન ત્રણેક વર્ષ પહેલા વિધવા બુરાનબીબીને ત્રણેય આરોપીઓએ ભેગા મળી વાતોમાં ભોળવી વિશ્વાસ કેળવ્યો હતો. વિધવા વૃદ્ધાને તેઓએ રિલાયન્સ ટિકિટ બુકિંગના ધંધામાં પૈસા રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચ આપી હતી. ત્યારબાદ જુલાઈ 2018 થી ફેબ્રુઆરી 2020 ના સમયગાળામાં વૃદ્ધાએ તથા તેની દિકરી, દિકરીના સસરા, નણંદ ધંધામાં જોડાઈ 20 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. વીસ લાખ રૂપિયા લીધા બાદ ત્રણેય ચીટરોએ થોડા મહિના માસીક બે-પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ રૂપિયા આપવાનું બંધ કરી દઈ રોકાણના રૂપિયા પણ પર નહીં કરી છેતરપિંડી કરી હતી.

પિતા પુત્રએ મહિધરપુરામાં આજ એમ.ઓ.થી છેતરપિંડી કરી હતી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બંને પિતા પુત્રએ મહિધરપુરા પોલીસની હદમાં પણ આજ એમ.ઓ.થી ગુનો આચર્યો હતો. એકાદ મહિના પહેલા મહિધરપુરામાં પિતા પુત્રની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે બંને પિતા પુત્રની મહિધરપુરા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. તેમના રિમાન્ડ પુર્ણ થતા પિતા પુત્રને સબજેલમાં ધકેલી દેવાયા છે. હાલ પિતા પુત્ર સબજેલમાં હોવાનું જાણવા મળ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top