Surat Main

કોવીડનો કરફ્યૂ બાળકીને ભરખી ગયો : ગંભીર બાળકીને બચાવવા માતાએ 7 કિલોમીટર દોડવું પડ્યું

સુરત: કોવિડ-19 (CORONA VIRUS)ના કેસમાં સતત વધારો થતાં પોલીસ દ્વારા રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા દરમિયાન કરફ્યૂ (NIGHT CURFEW) લાદવામાં આવતાં પાંડેસરાના ગોવાલકનગરમાં પાંચ વર્ષની બાળાને ઝાડા-ઊલટી થતાં તેણીને સારવાર માટે માતાએ ચાલતાં ચાલતાં સિવિલ હોસ્પિટલ (CIVIL HOSPITAL) સુધી લાવતાં તેણીનું રસ્તામાં મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કરફ્યૂને કારણે રિક્ષા કે અન્ય કોઇ વાહન નહીં મળતાં આ દયનીય ઘટના બની હતી. તેમાં માતા બાળકીને ઊંચકીને પાંડેસરાથી સિવિલ હોસ્પિટલ સુધી ચાલતા લઇને આવ્યા હતા. સમયસર સારવાર નહીં મળતાં આ બાળકી તરફડીને મૃત્યુ પામી હોવાની દયનીય ઘટના બની હતી. સિવિલ હોસ્પિટલમાં બાળકીનો મૃતદેહ જોઇ માતાના કરુણ આક્રંદે લોકોની આંખના ખૂણા ભીંજવી નાંખ્યા હતા. અને કોરોનાની મહામારી સામે એક માતા પણ હારી ગઈ હતી.

પ્રતીકાત્મક તસ્વીર

પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરાના ગોવાલકનગરમાં રહેતા શ્રમજીવી છોટુ શ્રીનાથ મિસ્ત્રીની પાંચ વર્ષીય પુત્રી અર્ચના બુધવારે સાંજથી ઝાડા-ઊલટીની બીમારીમાં પીડાતી હતી. બાળકીના પરિવારે જણાવ્યું હતું કે, બુધવારે પિતા છોટુ મિસ્ત્રી રિંગ રોડ કાપડ બજારમાં કામે ગયા હતા. બાળકી અર્ચના તેની માતા રીન્કુ દેવી સાથે ઘરે હતી. બુધવારે રાત્રે અર્ચનાને વધુ ઝાડા-ઊલટી થયા બાદ તબિયત વધુ લથડી ગઇ હતી. માતા પાસે મોબાઈલ ફોન ન હતો. જેના કારણે તે નિ:સહાય અને લાચાર બની ગઈ હતી. બાળકીને હોસ્પિટલમાં લઇ જવા માટે ઘરની બહાર સુધી આવી પરંતુ કરફ્યૂનો સમય હોવાથી બહાર રિક્ષા કે અન્ય કોઈ વાહનની વ્યવસ્થા નહીં હોવાથી પગપાળા ઘરેથી નીકળી ગઇ હતી. બીજી તરફ મજબૂર માતા રીન્કુદેવી બાળકીને લઈ ઉધના-મગદલ્લા રોડ પર સોશિયો સર્કલ સુધી પહોંચી હતી. દરમિયાન બાળકીએ પ્રાણ છોડી દીધા હતા.

આ અંગે માતાને ખબર પડતાં તે સોશિયો સર્કલ પાસે જ બાળકીને લઈ આક્રંદ કરવા લાગી હતી. ત્યાર બાદ બાળકીને ઊંચકીને ગોવાલકનગરના ઘરે પરત પહોંચી હતી. મૃતક બાળકીને ઘરમાં રાખી હતી. દરમિયાન ગુરુવારે સવારે આજુબાજુના લોકોને બાળકીનું મોત થયાની ખબર પડી ગઇ હતી. વધુમાં બાળકીના મામા રાજા શર્માએ જણાવ્યું હતું કે, અર્ચના એકની એક પુત્રી હતી. તેને અન્ય બે ભાઈ છે. હાલ પાંડેસરા પોલીસે અકસ્માત મોતની નોંધ લઇ આગળની તપાસ શરૂ કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top