SURAT

સુરતના ONGC બ્રિજ પાસે બની એવી ઘટના કે લોકોના જીવ અદ્ધર થઈ ગયા

સુરત: આજે બુધવારે સુરતના ઓએનજીસી બ્રિજ પાસે એવી ઘટના બની હતી જેના લીધે લોકોમાં કૂતુહલ સર્જાયું હતું. અહીં બ્રિજ નજીક પાંચ મોટા બાર્જ તણાઈને આવ્યા હતા. આ બાર્જમાં કોલસો ભરેલો હતો. તાપીના પાણીમાં આમથી તેમ તણાતા બાર્જની માહિતી મળતા તંત્ર દોડતું થયું હતું. બીજી તરફ લોકોએ ઓએનજીસી બ્રિજ પર ઉભા રહી વીડિયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.

માર્ચના ઉનાળામાં છેલ્લાં કેટલાંક દિવસથી વાતાવરણ બદલાયું છે અને ભારે ઝડપથી દરિયાઈ પવનો ફૂંકાઈ રહ્યાં છે. દરિયામાં કરંટ પણ વધ્યો છે, તેના લીધે હજીરાની જેટી ખાતે બાંધવામાં આવેલા કોલસા ભરેલા મહાકાય બાર્જની દોરીઓ તૂટી જવાના લીધે તે તણાઈને ઓએનજીસી બ્રિજ પાસે આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે. મહાકાય બાર્જ જોઈ લોકો આશ્ચર્યમાં મુકાયા હતા, બીજી તરફ તંત્ર દોડતું થયું હતું અને બાજને ફરી તેની મૂળ જગ્યા એટલે કે જેટી સુધી લઈ જવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા.

આ રીતે બાર્જ જેટી પરથી તણાયા..
ખરેખર તો આ પાંચ બાર્જનો ઉપયોગ હજીરા જેટી પર ઈન્ડોનેશિયાથી આવેલા શીપમાંથી કોલસો ઉતારવા માટે કરાઈ રહ્યો હતો, ત્યારે તે તણાઈ ગયા હતા. સામાન્ય રીતે જેટી પર મોટી શીપ આવે ત્યારે તેમાંથી કોલસા જેવો સામાન કાઢી જેટી સુધી પહોંચાડવા બાર્જનો ઉપયોગ થતો હોય છે. કામગીરી બંધ થયા બાદ બાર્જને જેટી પર બાંધી દેવાતા હોય છે. આજે જેટી પર કોલસો ઉતારી તે બાંધીને રાખવામાં આવ્યા હતા ત્યારે ઘટના બની હતી.

બાર્જમાં 1 હજાર ટનથી વધુ કોલસો
દરિયામાંથી ઓએનજીસી બ્રિજ પાસે 5 બાર્જ તણાઈને આવ્યા હતા. એક બાર્જમાં 1 હજાર ટન જેટલો કોલસો હતો. પાંચ બાર્જ પૈકી ત્રણ બાર્જ એકબીજાની નજીક આવી ગયા હતા. થોડી વાર બાદ આ બાર્જ બ્રિજ નીચે આવી જતા જીવ ઊંચકાયા હતા. નજરે જોનારાના મતે જો બાર્જ બ્રિજ સાથે ટકરાતે તો મોટી દુર્ઘટના બનવાનો ભય હતો.

બાજ ઓએનજીસી બ્રિજ સાથે ટકરાયા છે કે નહીં તે અંગે તપાસ
હજીરાની જેટી પર વિવિધ કંપનીઓ દ્વારા તેમના બાર્જ બાંધવામાં આવ્યા હોય છે. કયારેક ભારે પવન કે દરિયાના કરંટના લીધે દોરીઓ તૂટીને બાજ તણાઈ જતા હોય છે. આજે સવારે ઈન્ડોનેશિયાથી કોલસો ભરીને આવેલા ચારથી પાંચ બાર્જ હજીરાની જેટી પરથી તણાઈને ઓએનજીસી બ્રિજ સુધી આવી ગયા હતા. આ બાર્જ બ્રિજના પીલરો સાથે ટકરાયા હતા કે કેમ તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ સલામતીને ધ્યાનમાં લેતા તંત્ર તે દિશામાં તપાસ કરી રહ્યું છે. નોંધનીયછે કે ભૂતકાળમાં આવી અનેક દુર્ઘટનાઓ બની છે, જેમાં ઓએનજીસી બ્રિજ પાસે આવીને વિશાળકાય શિપ ટકરાઈ હોય. તેના લીધે બ્રિજને નુકસાન પણ થતું હોય છે.

Most Popular

To Top