Madhya Gujarat

આણંદમાં કોરોનાના ચાર હજાર બુસ્ટર ડોઝની ફાળવણી કરાઇ

આણંદ : આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામે માંડેલી લડતમાં ખાટલે મોટી ખોડ વેક્સિનની અછત હતી. જોકે, સરકાર દ્વારા કોવેકસીનના ચાર હજાર ડોસ તાત્કાલિક અસરથી ફાળવવામાં આવ્યાં છે. પરંતુ કોવિશિલ્ડનું એક ટીપું પણ ફાળવવામાં આવ્યું નથી. આણંદ જિલ્લામાં  કોરોના બીએફ-7ને લઇ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. મોકડ્રીલ બાદ અટકી પડેલા બુસ્ટર ડોઝના અભિયાનને આગળ વધારવા માટે રસીનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. જોકે, તે પહેલા રસી ન હોવાથી બુસ્ટર ડોઝનું અભિયાન પડતું મુકવામાં આવ્યું હતું. પરંતુ ચોથી લહેરના ભણકારા વાગતાં તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક બુસ્ટર ડોઝ પર પણ ધ્યાન આપ્યું હતું.

જેમાં સરકાર દ્વારા બુસ્ટર ડોઝની માગણી કરવામાં આવતાં આણંદ જિલ્લાને ગુરૂવારના રોજ રાજ્ય સરકાર દ્વારા ચાર હજાર બુસ્ટર ડોઝની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ કોવિશિલ્ડના એક પણ ડોઝની ફાળવણી કરવામાં આવી નથી. આણંદ આરોગ્ય વિભાગ દ્વારા મળેલા બુસ્ટર ડોઝને અલગ અલગ સેન્ટર પર વિતરણ કર્યાં છે. જેમાં આણંદમાં 800, આંકલાવમાં 500, બોરસદમાં 500, ખંભાતમાં 500, તારાપુરમાં 200, પેટલાદમાં 500, સોજિત્રામાં 100, ઉમરેઠમાં 200નો સમાવેશ થાય છે. આણંદ જિલ્લામાં સમગ્ર કોરાના કાળ દરમિયાન દસ લાખથી પણ વધુ ટેસ્ટીંગ કરવામાં આવ્યાં છે. જેમાં 16 હજાર પોઝીટીવ આવ્યાં હતાં. જેમને સઘન સારવાર આપવામાં આવી હતી. જોકે, 55 મોત થયાં હતાં.

પેટલાદ એસ. એસ. હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાઈ
પેટલાદ સ્થિત એસ. એસ. હોસ્પિટલ ખાતે પણ કોવીડ-19 સંબંધી મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલના ભાગરૂપે ઓક્સીજન પ્લાન્ટની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી, તેમજ દરેક બેડ સુધી ઓક્સિજન પહોંચી રહ્યો છે કે કેમ ? તેની ચકાસણીની સાથે ઓક્સિજન લિકેજ ન થાય તેની પણ ખાતરીપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. પ્લાન્ટનુ પ્રેશર અને ઓક્સીજનની શુધ્ધતાની ચકાસણી કરવામા આવતા ઓક્સીજનની શુધ્ધતા 95 % જોવા મળી હતી. આ હોસ્પિટલમાં કોવિડ-19 માટે 30 બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં 10 આઇ.સી.યુ. બેડ અને 20 કોવિડ આઇસોલેશન બેડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક દિવસમાં 2000 સેમ્પલ કલેકશનની ક્ષમતા ધરાવતી લેબ તેમજ પુરતા પ્રમાણમાં ડોકટર્સ, સ્ટાફ તથા દવાઓ ઉપલબ્ધ હોવાનું એસ. એસ. હોસ્પિટલના સિવિલ સર્જને જણાવ્યું છે. આ મોકડ્રીલ સમયે આણંદ જીલ્લા પંચાયતના આર.સી.એચ.ઓ સહિત એસ. એસ. હોસ્પિટલની આરોગ્યની ટીમ ઉપસ્થિત રહી હતી.

Most Popular

To Top