અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ગંભીર સ્તરે પહોંચી ગયો છે. ઈરાનની શક્તિશાળી સૈન્ય સંસ્થા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ અમેરિકાને સીધી ચેતવણી આપી છે કે જો તેના તેલ ટેન્કરો અથવા વેપારી જહાજો પર હુમલો થશે તો તે મિડલ ઇસ્ટમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ અને યુદ્ધજહાજોને નિશાન બનાવશે. IRGCએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો અમેરિકા હુમલો કરશે તો ઈરાન પણ મૌન નહીં રહે અને મોટાપાયે જવાબી કાર્યવાહી કરશે. આ નિવેદન બાદ મિડલ ઇસ્ટમાં ફરી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાની આશંકા વધી ગઈ છે. આ તણાવની શરૂઆત ઓમાનના અખાતમાં બનેલી એક ઘટનાથી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. અહેવાલો મુજબ અમેરિકી દળોએ બે ઈરાની તેલ ટેન્કરો પર હુમલો કરીને તેમને નષ્ટ કર્યા હતા. અમેરિકાનો આરોપ હતો કે આ ટેન્કરો તેની બંદર નાકાબંધીનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. જવાબમાં ઈરાને આ કાર્યવાહીનો કડક વિરોધ કર્યો છે અને અમેરિકાને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકા એક તરફ શાંતિ અને રાજદ્વારીની વાત કરે છે, જ્યારે બીજી તરફ સૈન્ય કાર્યવાહી કરીને તણાવ વધારી રહ્યું છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ તેમના શાંતિ પ્રસ્તાવ પર રાત્રિ સુધીમાં ઈરાન તરફથી જવાબની અપેક્ષા રાખે છે. આ સમગ્ર મામલે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જોકે, અત્યાર સુધી તેહરાન તરફથી કોઈ સત્તાવાર અથવા સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ અમેરિકાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તુર્કીના વિદેશ પ્રધાન સાથેની ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે અમેરિકા રાજદ્વારીની વાતો કરે છે, પરંતુ વાસ્તવમાં પર્શિયન ગલ્ફમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. અરાઘચી અનુસાર, અમેરિકી સૈન્યની તાજેતરની કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા શાંતિ પ્રક્રિયામાં ઈમાનદારીથી આગળ નથી વધી રહ્યું. તેમના મતે આ ઘટનાએ રાજદ્વારી પ્રયાસો પર વિશ્વાસ ઘટાડ્યો છે.
માત્ર અમેરિકા અને ઈરાન વચ્ચે જ નહીં, પરંતુ સમગ્ર મિડલ ઇસ્ટમાં પરિસ્થિતિ વધુ તંગ બની રહી છે. લેબનોનની સરહદ પર પણ અથડામણો વધી રહી છે. ત્રણ અઠવાડિયા પહેલાં યુદ્ધવિરામ જાહેર થયા છતાં ઇઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે ફરી ભારે ગોળીબાર થયો હતો. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હુમલાઓમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે. બીજી તરફ હિઝબુલ્લાહે ઉત્તરી ઇઝરાયલ પર વિસ્ફોટક ડ્રોનથી હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ઇઝરાયલી રિઝર્વ સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. વિશ્લેષકોનું માનવું છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ વધશે તો તેની અસર સમગ્ર મિડલ ઇસ્ટ પર પડી શકે છે. ખાસ કરીને ગલ્ફ વિસ્તારના વેપાર, તેલ સપ્લાય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર મોટો પ્રભાવ પડી શકે છે. હાલ વિશ્વભરના દેશો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રાજદ્વારી સ્તરે તણાવ ઘટાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ બંને પક્ષોના આક્રમક નિવેદનોને કારણે ચિંતા વધી રહી છે.
If you attack, we will destroy American bases, IRGC’s open threat to Trump