Comments

હાસ્ય લેખ: ખટારો એ ખટારો નથી, હરતી ફરતી વિદ્યાલય છે

ખટારો ભણેલો નથી, એ નસીબદાર છે કે, એને ભણવાનું આવતું જ નથી. એટલે તો અમુકને ખટારા જેવો કહીને નવાજીએ છીએ. પણ, ખટારા પાછળની શાયરીઓ વાંચીએ, ત્યારે ખટારાને ‘ખટારો’ કહીને, ‘વિદ્યાપાપ’ કરતા હોઈએ એવું લાગે. કેવી કેવી ચટાકેદાર શાયરીઓ હોય..! વાંચો એટલે કથા-શ્રવણનું જાણે તાબડતોબ પુણ્ય મળી જાય. શાયરીઓ પઠન કર્યા પછી, કોઈ સંતે  બરડા ઉપર ધાર્મિક ‘ધબ્બો’ માર્યો હોય એમ, ધન્ય થઇ જવાય..!

મોઢું જોવા નહિ ગમે, એની ‘પીઠ’ જોવાનો આનંદ ખટારામાં મળે. રૂપઘેલી બરડા ઉપર ‘ટેટુ’ કરાવે, એમ ‘ખટારાવાળા પીઠ પાછળના ફાળકા ઉપર ‘ટેટો’ ને બદલે ચટાકેદાર શાયરીઓ ઠપકારે..! જે ‘ગલગલિયાં’ ટેટુ જોઇને થાય, એવાં જ  ‘તનમનિયા’ ખટારાની પીઠ જોઇને થાય. આ પીઠ એટલે વાંહો, વાંસો કે બરડો કહેવાય…!

ને દેશી ભાષામાં કહીએ તો, પેટ પાછળનો ‘અનામત પ્લોટ’..!  (ખુદ ભગવાને પણ એ પ્લોટ ઉપર કોઈ બાંધકામ નહિ કરેલું..! ) પીઠ,પીઠું.પીઠી કે પીઠા, આ બધાં, રેશનકાર્ડના ફેમીલી મેમ્બર જેવાં ભલે લાગે. બાકી કોઈને એકબીજા સાથે ‘સ્નાનસૂતક’ નો સંબંધ નહિ..!. સૌના ગુણધર્મ પણ અલગ ને કુળધર્મ પણ અલગ.! જો કે, આપણે એની કુંડળી કાઢીને, પીઠ-મંથન કરવું નથી, પણ આ તો એક વાત..!

જૂની ઉધરસની માફક પંચાત કરવાની આદત પડી હોય, એ એકાદ પડીકીથી થોડી જાય?  એટલે લપસી પડાયું..! બાકી કોઈનો ચહેરો વાઈફ સાથે મળતો આવે, તેથી તેને પોતાની ‘વાઈફ’ નહિ કહેવાય..!  બધાના કામધંધા અલગ. બજાર માટે ‘પીઠ’ કહેવાય, વિદ્યા આપે એને વિદ્યાપીઠ કહેવાય, દારુ-તાડીના માંડવાને પીઠું કહેવાય, લગન વખતે શરીરનું હળદરથી રંગરોગાન થાય, તો પીઠી કહેવાય ને પીઠા એટલે વલસાડનું એક ગામ..!

કહેવાનો મતલબ કોઈનો કોઈ સાથે મેળ જ નહિ પડે..!  મજબૂત પીઠની વાત કરીએ તો, ઊંટ, ઘોડા ને ગધેડા જેવી કોઈ પીઠ નહિ. પણ પીઠ શબ્દ એવો મીઠીફોઈ જેવો કે, એ ગમે તેની સાથે સેટિંગ કરી આવે. વ્યાસપીઠ, શારદાપીઠ, ગાયત્રીપીઠ, ભુવનેશ્વરીપીઠ, અંબાજીપીઠ કે શક્તિપીઠ સાથે જોડાયો તો ધાર્મિક પણ બની જાય. જેમ કે, પરણીને દીકરી જે ઘરે જાય, ત્યાંની અટક ‘ઓટોમેટીક’ ચોંટી જાય, એના જેવું..! બાકી પીઠને ‘વાંહો’ આઈમીન ‘વાંસો’ પણ કહેવાય. જે બહુ-બહુ તો થાબડવા કામ આવે, ક્યાં તો કોઈનો ‘વાંહો’ છોલી નાંખવા કામ આવે..! પણ  તેથી કંઈ પીઠબળને ‘વાંસાબળ’ કે ‘વાંહાબળ’ નહિ કહેવાય. મહોલ્લાનાં કૂતરાં પણ ભસે..!

તમને થતું જ હશે કે, રમેશિયા હવે આ ‘પીઠ-કથા’ બંધ કરીને,  પીઠને પીઠ બતાવે તો સારું. આપણે ક્યાં ‘પીઠ’ ઉપર મહાનિબંધ લખીને  ‘ડોકટરેટ’ ની પદવી લેવી છે..? એક્ચ્યુલી..! મારે વાત કરવી છે, હરતી-ફરતી વિદ્યાપીઠની..!  ખટારો એટલે  હરતી ફરતી વિદ્યાપીઠ..! ખટારા પાસે માલિકીનું ભેજું હોતું નથી. એ ડ્રાઈવરના ભેજા પ્રમાણે જ દોડતો હોય. પણ એની પીઠ પાછળ લખેલી ‘શાયરી’  એવી ‘ટેસ્ટી’  હોય કે, વાંચીને આપણું ભેજું પણ ફ્રાય થઇ જાય. એવી ફળદ્રુપ શાયરીઓ લખે કે, એના ચાલકે શાયરાબાનુને બદલે શાયરી સાથે ‘છેડાગાંઠી’ કરેલી હોય એવું લાગે..! બાકી, સલમાનખાન, શાહરૂખખાન, આમીરખાન, સૈફ અલીખાન કે કાદરખાન જેવાં કદરદાનો તો ટાયર જ સાચવતાં હોય. વોચમેન બનાવીને બેસાડ્યા હોય એમ ટીંગાયેલા જ હોય..! અમુક શાયરીઓ એવી અફલાતુન હોય કે, વાંચીને આંખનો મોતિયો પણ ‘મોતીલાલ’ બની જાય.! ઘરમાં આજીવન ‘કથા’ બેસાડીએ તો પણ જે જ્ઞાન નહિ લાધે, એટલું જ્ઞાન ખટારાની શાયરીમાંથી મળી જાય. શ્રીશ્રી ભગાએ એક ખટારાની પાછળ એટલું જ વાંચ્યું કે, “ જિંદગી એક સફર છે’  એમાં તો ‘નાગમણી’  હાથ લાગ્યો હોય એમ, કામ-ધંધો છોડીને વલસાડથી અમદાવાદ સુધીનો રેલવેનો પાસ કઢાવી દીધો. કામધંધા વગર ટ્રેનમાં રોજની ‘સફર’ કરે છે..! ઘણા લોકો ખટારા પાછળ લખે કે, ‘મેરા ભારત મહાન..!’  ‘ગધેડાની આગળ ગાજર’ વાળી વાત તો તમે જાણો જ છો. ગધેડાની આગળ ગાજર બાંધે તો ગધેડો દોડતો રહે, એમ ખટારાની પાછળ ‘મેરા ભારત મહાન’ લખવાથી, ખટારાની દૌડમાં શું કોઈ ફરક પડતો હશે ખરો?  આ તો એક ચિંતા..! આ ઘટનાને દેશદાઝ કહેવાય કે કેમ, એની ખબર નથી, પણ ખટારો તો જરૂર દેશપ્રેમી લાગે..! ડ્રાઈવર એટલે ખટારાનો ભગવાન કહેવાય. જેમ માણસને ભગવાન હાંકે એમ, ખટારાને ડ્રાઈવર હાંકે..! ખટારો પણ જાણે કે, “ નહિ અમારે ભાઈ નહિ અમારે સસરો, ડ્રાઈવર અમારો આશરો..!”  દીકરીને ગાય દોરે ત્યાં જાય, એના જેવી વાત છે. ભગવાન ઉપરથી માણસનો વિશ્વાસ ઊઠી જાય, પણ ખટારો ક્યારેય એના ડ્રાઈવર ઉપરથી શ્રદ્ધા અને વિશ્વાસ ગુમાવતો નથી. જેહના ભાગ્યમાં જે સમયે જે લખાણું, તેહના ભાગ્યમાં તે સમયે તે જ મળતું. “ આ વાત માણસ કરતાં ખટારા વધુ સમજતાં હોય..!  એક ખટારા પાછળ લખેલું કે, “ દેખ કે ચલેગા તો બાર-બાર મિલેગા, નહિ દેખેગા તો હરિદ્વાર મિલેગા..!”  એની જાનમાં ફટાકડો ફોડું, એક ઘા ને સીધા બે કટકા જ કરે..! “તું જહાં જહાં ચલેગા, મેરા સાયા સાથ હોગા’ ની માફક એ અહર્નિશ દોડતો જ હોય…! એક ખટારા ઉપર તો લખેલું, “ ગુજરાતકી રાની, મહારાષ્ટ્રકા રાજા, મુકાબલા કરના હૈ તો બમ્બઈમેં આ જા…! “  કેટલાંક ખટારા તો એના નંબરને બદલે, શાયરીથી જ ઓળખાય.

હમણાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, તો એક ડ્રાઈવરે ખટારા પાછળ શાયરી લખાવી કે, “ જરા કમ ભી પી મેરી રાની, મહેંગા હૈ ઈરાકકા પાની..! “બાકી અમુક શાયરીઓને તો હવે ‘લાઈફ ટાઈમ એચીવમેન્ટ’ એવોર્ડ આપવા જેવો.

જેમ કે, ‘બુરી નજરવાલે તેરા મુંહ કાલા’ “ યે દિયા ક્યા બુઝેગા, જિસે રોશન ખુદા કરે‘ એ ખુદા મુઝે કિનારો પે મત લે જાઓ, વહાં લે જાઓ જહાં તુફાન ઉઠતે હૈ’ વગેરે વગેરે..!  ઘણા ખટારાવાળા તો પાછળ એવું લખે કે, ‘ભગવાન તમારું ભલું કરે..!’ આપણને એમ થાય કે, આ આશીર્વાદ આપે છે કે, ધમકી..? કદાચ એવું તો નહિ કહેતો હોય કે, “આજે તો બચી ગયો, પણ હવે ચેતીને ચાલજે ખડ્ડૂસ..!” 

ખટારા પાસે શીખવા જેવી વાત હોય તો એ છે કે, આગળ જોવા માટે કાચ મોટો રાખવાનો ને, પાછળ જોવા માટે કાચ નાનો રાખવાનો…! એનું સારામાં સારું લખાણ એક જ “ પપ્પા જલ્દી ઘર આ જાના..!”

લાસ્ટ ધ બોલ

ખટારો પણ સંસારી હોય..! ટાયર પતિ, ટ્યુબ પત્ની અને વાલ્વ ટ્યુબ છોકરું ..! એક વાર  ટાયર અને ટ્યુબ વચ્ચે ઝઘડો થયો. ઝઘડો પરાકાષ્ઠાએ પહોંચ્યો ત્યારે ટ્યુબનો ‘વાલ્વ’ બોલ્યો. “તમે ઝઘડવાનું બંધ કરો છો કે, પછી હું ઘર છોડીને ચાલી જાઉં..?

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top