સોશ્યલ મીડિયા પર આજે “વિચાર” કરતાં “વિચારનો વેપાર” વધુ થાય છે. કોઈ સુંદર બે લીટી લખી દે અને નીચે કોઈ મહાન વ્યક્તિનું નામ મૂકી દે.. બસ, વાત વાયરલ થઈ જાય. ગુલઝારની કવિતા હોય, ગૌતમ બુદ્ધ કે વિવેકાનંદની વાણી હોય, એમના નામે અનેક ક્વોટેશન્સ ફરતાં રહે છે, જેમાંથી ઘણાં તેમણે ક્યારેય કહ્યાં જ નથી. લોકો “નામ” જોઈને પ્રભાવિત થઈ જાય છે. આવું જ દેશ અને દુનિયાની રાજકીય કે સામાજિક ઘટનાઓ બાબતે બને છે. સોશ્યલ મીડિયા પર સત્ય કરતાં, મનને ગમતું અને સરસ લાગતું વધુ ઝડપથી ફેલાય છે. કોઈને સત્યની ચકાસણી કરવી નથી. મેસેજ ફટાફટ ફોરવર્ડ કરીને જ્ઞાન વહેંચવાનો ઉત્સાહ-રોમાંચ અગ્રેસર હોય છે. પરિણામે સાચી-ખોટી વાતો “જ્ઞાન” બનીને ફરવા લાગે છે. આથી જરૂરી છે કે, કંઈ પણ શેર કરતાં પહેલાં તેનો સ્રોત તપાસવો જોઈએ, માત્ર ભાવુકતા નહીં, બુદ્ધિ પણ વાપરવી જોઈએ. “વાયરલ” અને “સાચું” એક જ વસ્તુ નથી, એ સમજવું જોઈએ.
સુરત – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.