Charchapatra

વ્હાઈટ કોલરનાં કાર્યો

ભારત સરકારે પોતાના રાજકીય લાભ ખાતર કે ગમે તે કારણે ઘણી બધી યોજનાઓ ગરીબો અને વંચિતોના હિતમાં જાહેર કરી છે. આ વાત આશીર્વાદરૂપ છે. સરકાર કોઈ પણ પક્ષની આવે, ગમે તેટલી યોજનાઓ જાહેર કરે, પણ જ્યાં સુધી આપણે પોતાના આત્મા સાથે સરકારને પણ છેતરવાનું ચાલુ રાખીશું ત્યાં સુધી આપણને ભારતમાતા કી જય બોલવાનો, જય શ્રીરામ, વગેરે નારા લગાવવાનો કોઈ અધિકાર ખરો? આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ જેવી સગવડોની જેઓ આવકવેરો ભરે છે, જેઓની વાર્ષિક આવક ખાસ્સી વધારે હોય, જેઓ દર મહિને તગડું પેન્શન લેતા હોય અને જેઓ પાસે લાખો રૂપિયાની ગાડીઓ છે, દ્વિચકી એક વાહન નહીં, ઘરમાં વ્યક્તિ દીઠ વાહનો છે, તેવા નબીરાઓએ પણ આયુષ્યમાન કઢાવ્યો છે. એના ઘણા પુરાવાઓ અસ્તિત્વમાં છે. આનું મૂળ કારણ એ છે કે આયુષ્યમાન કઢાવતી વખતે કોઈ કોલમમાં પાન નંબર માંગ્યો નથી. જો પાન નં. માંગવામાં આવ્યો હોત, કે હજી પણ માંગવામાં આવે તો વ્હાઈટ કોલરો દેશને લૂંટતા થોડા અટકે. આશા રાખીએ કે સરકારશ્રી આ બાબત પર ગંભીર વિચારણા કરશે અને હાલમાં જેઓ પાસે આવા બોગસ કાર્ડ છે તેઓ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરી તેઓ આ કાર્ડનો ખોટો લાભ ન લે તે જોશે.
સુરત      – રાજેન્દ્ર કર્ણિક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top