Charchapatra

ચૌટાબજાર સુરત કેટલાં વર્ષોથી ગેરકાયદે દબાણ સુરત મ્યુ. હોદ્દેદારોને શા માટે દેખાતું નથી?

છેલ્લાં કેટલાં વર્ષોથી ચૌટાબજાર સુરતમાં ચોક્કસ કોમ માટે જ ગેરકાયદેસર દબાણ કરી બંને બાજુ દબાણ થતું જોવા છતાં મ્યુ. કમિશનર સુરત તથા દબાણ ખાતાના હોદ્દેદારો કે પોલીસ તંત્રને શા માટે દેખાતું નથી તે કાંઇ સમજાતું નથી. મજકુર ચૌટાબજાર તથા આજુબાજુનો વિસ્તાર રેસીડન્સી તથા હોસ્પિટલ તથા મંદિર આવેલ હોઇ જવા આવવા માટે રાહદારીઓને આ રસ્તાનું ગેરકાયદેસર દબાણ ચાલુ હોવા છતાં અગાઉના દિવસોમાં ફકત દેખાવ ખાતર દબાણ દૂર થઇ ગયું હોય તેવો દેખાવ કરનાર મ્યુ. કમિશનર, દબાણ ખાતાના હોદ્દેદારો પોલીસ તંત્ર શા માટે આંખ આડા કાન કરી સુરતની ભોળી પ્રજાને હેરાન પરેશાન કરવામાં જાણે મઝા આવતી હોય તેવો વ્યવહાર છેલ્લાં કેટલાં વર્ષોથી થઇ રહ્યો છે. શું ચોક્કસ કોમ તરફથી કોઇ મ્યુ. અધિકારીને હપ્તા આપવામાં આવે છે? કાયમ માટે ગેરયકાયદેસર દબાણનું ન્યુસન્સ હટાવવાનાં નક્કર પગલાં ભરવા ભલામણ છે. કાયમ માટે મ્યુ. કમિશનર તરફથી દબાણ ઓફીસની બ્રાન્ચ ચૌટાબજારમાં હોવી જોઇએ. સાથે પોલીસ ચોકી સાથે હોય તેવો પ્રબંધ કરી સુરતની જનતાને આ દબાણના ત્રાસમાંથી મુકત કરશો તેવી અપેક્ષા.
સુરત              – વી. એમ. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વ્હાઈટ કોલરનાં કાર્યો
ભારત સરકારે પોતાના રાજકીય લાભ ખાતર કે ગમે તે કારણે ઘણી બધી યોજનાઓ ગરીબો અને વંચિતોના હિતમાં જાહેર કરી છે. આ વાત આશીર્વાદરૂપ છે. સરકાર કોઈ પણ પક્ષની આવે, ગમે તેટલી યોજનાઓ જાહેર કરે, પણ જ્યાં સુધી આપણે પોતાના આત્મા સાથે સરકારને પણ છેતરવાનું ચાલુ રાખીશું ત્યાં સુધી આપણને ભારતમાતા કી જય બોલવાનો, જય શ્રીરામ, વગેરે નારા લગાવવાનો કોઈ અધિકાર ખરો? આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ જેવી સગવડોની જેઓ આવકવેરો ભરે છે, જેઓની વાર્ષિક આવક ખાસ્સી વધારે હોય, જેઓ દર મહિને તગડું પેન્શન લેતા હોય અને જેઓ પાસે લાખો રૂપિયાની ગાડીઓ છે, દ્વિચકી એક વાહન નહીં, ઘરમાં વ્યક્તિ દીઠ વાહનો છે, તેવા નબીરાઓએ પણ આયુષ્યમાન કઢાવ્યો છે.

એના ઘણા પુરાવાઓ અસ્તિત્વમાં છે. આનું મૂળ કારણ એ છે કે આયુષ્યમાન કઢાવતી વખતે કોઈ કોલમમાં પાન નંબર માંગ્યો નથી. જો પાન નં. માંગવામાં આવ્યો હોત, કે હજી પણ માંગવામાં આવે તો વ્હાઈટ કોલરો દેશને લૂંટતા થોડા અટકે. આશા રાખીએ કે સરકારશ્રી આ બાબત પર ગંભીર વિચારણા કરશે અને હાલમાં જેઓ પાસે આવા બોગસ કાર્ડ છે તેઓ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરી તેઓ આ કાર્ડનો ખોટો લાભ ન લે તે જોશે.
સુરત     – રાજેન્દ્ર કર્ણિક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top